પુણેઃ સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ રાજ્યમાં મંદિરો ફરીથી નહીં ખોલવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, જો મંદિર પરથી પ્રતિબંધ નહીં હટાવવા માટે આંદોલન થશે તો પોતાનું સમર્થન આપશે. હજારેએ ઠાકરે સરકાર પર મંદિરો ફરીથી ખોલવાના ઈનકાર કરવા પર સવાલ ઉઠાવ્યો અને આ માટે તેમણે શરાબની દુકાનો બહાર લાગેલી લાંબી લાઈન તરફ ઈશારો કરીને સરકાર પર કટાક્ષ પણ કર્યો.


અહમદનગરના રાલેગણ સિદ્ધિ ગામમાં તેમણે મંદિરો ફરીથી ખોલવાની માંગ કરી રહેલા કેટલાક લોકોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું, રાજ્ય સરકાર મંદિર કેમ નથી ખોલી રહી. લોકો માટે મંદિર ખોલવામાં રાજ્ય સરકારને શું ખતરો લાગી રહ્યોછે. જો કોવિડ કારણ હોય તો શરાબની દુકાનો બહાર લાંબી લાઈનો કેમ છે.


મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી સરકારે કોરોના વાયરસની સ્થિતિમાં સુધારો જોતાં અનેક ક્ષેત્રો ફરીથી ખોલ્યા છે. સંપૂર્ણ રસીકરણ કરાવી ચુકેલા લોકોને મુંબઈમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે રાજ્ય સરકારે હજુ પણ કોરોના વાયરસના પ્રસારના ડરથી ધાર્મિક સ્થળો ખોલવાથી ડરી રહી છે. વિપક્ષ ભાજપ પણ લોકો માટે મંદિર ખોલવાની માંગ કરી રહ્યું છે.


મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 56,366 છે. જ્યારે 62,63,416 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે. રાજ્યમાં 1,37,157 લોકોના કોરોનાથી મોત થયા છે.


ભારતમાં કોરોના ચેપનો પ્રકોપ ફરી વધવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ ભારતમાં જ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો હતો. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 42,909 નવા કોરોના કેસ આવ્યા અને 380 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો. જ્યારે 24 કલાકમાં 34,763 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 7766 એક્ટિવ કેસ વધ્યા છે. વર્લ્ડોમીટર વેબસાઇટ અનુસાર ભારતમાં ગત દિવસે સૌથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. અમેરિકામાં 37262, બ્રિટનમાં 33196, ઈરાનમાં 31516, જાપાનમાં કોરોનાના 22748 કેસ નોંધાયા છે. જોકે ગઈકાલે રશિયા, મેક્સિકો, ઈરાન, ઈન્ડોનેશિયામાં ભારત કરતા ઓછા મૃત્યુ થયા હતા.