પશ્વિમ બંગાળમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા, લાશને વિજળીના થાંભલા સાથે લટકાવી દીધી
abpasmita.in | 02 Jun 2018 11:34 AM (IST)
પુરુલિયાઃ પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણી બાદ રાજનીતિક હત્યાઓની ઘટનાઓ રોકવાનું નામ લઇ રહી નથી. પશ્વિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં વધુ એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી છે અને તેની લાશને વિજળીના થાંભલા સાથે લટકાવી દેવામાં આવી છે. બીજેપીએ તેમના કાર્યકર્તાની હત્યાનો આરોપ સત્તારૂઢ પાર્ટી તૃણમૂલ કોગ્રેસના કાર્યકર્તાઓ પર લગાવ્યો છે. લાશની ઓળખ બલરામપુરની રહેનારા 30 વર્ષના દૂલાલ કુમાર તરીકે થઇ છે. જે બીજેપીનો કાર્યકર્તા હતો. પુરુલિયા જિલ્લાના આ ગામમાં ત્રણ દિવસમાં આ બીજા બીજેપી કાર્યકર્તાની હત્યા થઇ છે. નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ પુરુલિયા જિલ્લાના બલરામપુરમાં એક બીજેપી કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી બાદમાં તેની લાશને ઝાડ પર લટકાવી દેવાઇ હતી. આ ઘટના બાદ બીજેપીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે ટ્વિટ કર્યું હતું કે, અમને શરમ આવી રહી છે. મે ગઇકાલે રાત્રે એડીજી (લો એન્ડ ઓર્ડર) અનુજ શર્મા સાથે વાત કરી છે. બલરામપુરના દુલાલનો જીવ ખતરામાં છે અને તેનો સુરક્ષા આપવાની વાત કરી હતી. આ મામલામાં ગઇકાલ રાત્રે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પશ્વિમ બંગાળ સરકાર પાસે રિપોર્ટ માંગી હતી.