Kolkata : કલકત્તામાં એક જ મહિનામાં ચાર ચાર યુવતીઓની આત્મહત્યાથી ખળભળાટ મચી ગયો છે. એક મહિના જેટલા ટૂંકા સમયમાં ત્રણ અભિનેત્રીઓની આત્મહત્યા બાદ હવે એક મોડેલે આત્મહત્યા કરી લીધી છે. એક મહિનામાં ચાર-ચાર યુવતીના આપઘાત સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
18 વર્ષની મોડેલે કરી આત્મહત્યા
કલકત્તા પોલીસે સોમવારે જણાવ્યું હતું કે અન્ય એક મૉડલ તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી. 18 વર્ષીય સરસ્વતી દાસનો મૃતદેહ રવિવારે કસ્બા વિસ્તારમાં બેડિયાડાંગામાં તેના નિવાસસ્થાનના રૂમમાં ગળેફાંસો ખાધેલી લટકતો મળી આવ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સરસ્વતી, જેણે નાના ઉદ્યોગો માટે મોડેલિંગ કર્યું હતું અને તેને ઘણી ઑફર્સ મળી હતી, તેણે શનિવારે રાત્રે તેના રૂમમાં દુપટ્ટાનો ઉપયોગ કરીને કથિત રીતે ફાંસો ખાઈ લીધો હતો.
પોલીસ વિવિધ એંગલથી કરી રહી છે તપાસ
પોલીસ અધિકારીએ કહ્યું કે આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગે છે, પરંતુ અમે અન્ય એંગલથી પણ જોઈ રહ્યાં છીએ.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સરસ્વતીની દાદીએ તેને પ્રથમ લટકતી જોઈ હતી અને શાકભાજી કાપવાના ચપ્પુથી દુપટ્ટો કાપી તેને નીચે ઉતારી હતી. સરસ્વતીને નજીકની હોસ્પિટલમાં લઇ જવાઈ હતી, જ્યાં મૃત જાહેર કરવામાં આવી. હવે તેના પોસ્ટમોર્ટમની રાહ જોવામાં આવી રહી છે.
અગાઉ ત્રણ યુવતીએ કરી લીધી છે આત્મહત્યા
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ એ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે શું સરસ્વતી, જે મેક-અપ આર્ટિસ્ટ પણ હતી, તેના અન્ય ત્રણ મોડલ મંજુષા નિયોગી, બિદિશા ડી મજમુદાર અથવા ટેલિવિઝન અભિનેતા પલ્લબી ડે સાથે કોઈ સંબંધ છે કે કેમ. આ ત્રણેયે છેલ્લા એક મહિનામાં જ આત્મહત્યા કરી લીધી છે.
ગયા અઠવાડિયાની શરૂઆતમાં અન્ય એક મોડેલ અભિનેત્રી મંજુષા નિયોગ કલકત્તાના પટુલી વિસ્તારમાં તેના પરિવારના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. 26 વર્ષીય મંજુષા 27 મેના રોજ તેના માતા-પિતાના ઘરે પંખા પર દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવી હતી.
બંગાળી ટીવી અભિનેત્રી અને મોડલ બિદિશા ડી મજુમદાર શહેરના નગરબજારમાં તેના ભાડાના ઘરમાં માં મૃત હાલતમાં મળી આવ્યાના બે દિવસ બાદ મંજુષાના મોતના સમાચાર આવ્યા હતા.
અગાઉ 15 મેના રોજ, બંગાળી ટેલિવિઝન અભિનેત્રી પલ્લબી ડે કોલકાતાના ગરફા વિસ્તારમાં તેના ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.