કાશ્મીરઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. આ વ્યક્તિની ઓળખ કાકરાન કુલગામના રહેવાસી સતીશ સિંહ રાજપૂત તરીકે થઈ છે. એક અધિકારીના કહેવા પ્રમાણે, શંકાસ્પદ આતંકવાદીઓએ કાકરાનમાં એક વ્યક્તિને ગોળી મારી હતી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.






આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠને લીધી હતી


પોલીસના જણાવ્યા અનુસાર, કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ નામના આતંકવાદી સંગઠને વ્યવસાયે ડ્રાઈવર સતીશ સિંહની હત્યાની જવાબદારી લીધી છે.કુલગામ જિલ્લામાં પોસ્ટરો જોવા મળ્યા જેમાં એક અજાણ્યા આતંકવાદી સંગઠને સ્થાનિકો ના હોય તેવા લોકોને કાશ્મીર છોડવાની ચેતવણી આપી છે. કાશ્મીરી પંડિતોને ખીણ છોડવા માટે આ ચેતવણી આપવામાં આવી છે.


ઓમર અબ્દુલ્લાએ હુમલાની નિંદા કરી હતી






જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ સતીશ સિંહના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આવા હુમલાઓને ક્યારેય યોગ્ય ઠેરવી શકાય નહીં.






આ વર્ષે અત્યાર સુધીમાં 49 આતંકવાદીઓ માર્યા ગયા છે


નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 49 આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. તે સિવાય 71 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. એપ્રિલમાં જ ઓપરેશન દરમિયાન 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 10ની ધરપકડ કરવામાં આવી હતી.