નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશ સરકારના 90 હજારથી વધુ કર્મચારીઓના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા ગાયબ થઈ ગયા હોવાના અહેવાલ છે. બેંક ખાતાધારકોનો આરોપ છે કે રાજ્ય સરકારે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા છે. આરોપ છે કે કર્મચારીઓના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF) ખાતામાં રકમ જમા કરવામાં આવી હતી, જે ગેરકાયદેસર રીતે ઉપાડી લેવામાં આવી હતી. બીજી તરફ, વિશેષ મુખ્ય સચિવ (નાણા) એસએસ રાવતે બુધવારે આ આરોપને નકારી કાઢ્યા હતા.


આ આરોપોના જવાબમા રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કર્મચારીઓના જીપીએફ ખાતામાં ડીએની બાકી રકમ ભૂલથી જમા કરવામાં આવી હતી જે ટેકનિકલ ખામી હતી. ટ્રેઝરી એન્ડ એકાઉન્ટ્સના ડાયરેક્ટર એસએસ રાવતે પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે બિલની ચૂકવણી ન કરવા છતાં ડીએની બાકી રકમ જમા કરવામાં આવી હતી.


રાવતે કહ્યું કે ટ્રેઝરી નિયમો મુજબ દર વર્ષે 31 માર્ચ સુધી બાકી રહેલા તમામ બિલ સંબંધિત ટ્રેઝરી ઓફિસર દ્વારા રદ કરવામાં આવે છે.  અનપેઇડ DA બાકીના બિલો રદ થવાને કારણે GPF ખાતામાં ખોટી રીતે જમા થયેલી રકમ પણ સિસ્ટમ સોફ્ટવેર દ્વારા ઉપાડી લેવામાં આવી હતી. વિશેષ મુખ્ય સચિવ રાવતે કહ્યું કે સરકાર ટેકનિકલ ખામીને દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ રહી છે.


અગાઉ, સરકારી કર્મચારી યુનિયનોએ રાજ્યના નાણા વિભાગના અધિકારીઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. યુનિયનોએ ગેરકાયદેસર ઉપાડને માત્ર ગેરબંધારણીય જ નહીં પરંતુ ગુનાહિત પણ ગણાવ્યું હતું. એપી જોઈન્ટ એક્શન કમિટી અમરાવતીના નેતાઓ સ્પેશિયલ ચીફ સેક્રેટરીને મળ્યા હતા અને આ અંગે સ્પષ્ટતા માંગી હતી.


આંધ્ર પ્રદેશ સરકારી કર્મચારી સંઘના પ્રમુખ કે.આર.સૂર્યનારાયણના જણાવ્યા મુજબ, કર્મચારી સંગઠનોએ આ મુદ્દે પ્રિન્સિપાલ એકાઉન્ટન્ટ જનરલને પણ અરજી કરી હતી કારણ કે તેઓ GPF ખાતાના કસ્ટોડિયન છે. સૂર્યનારાયણે કહ્યું કે આ માર્ચમાં થયું હતું, પરંતુ મામલો હવે સામે આવ્યો છે. તેમણે જણાવ્યું કે સોમવારે રાત્રે ઓડિટર જનરલ ઓફ એકાઉન્ટ્સ કર્મચારીઓની જીપીએફ વિગતોની ચકાસણી કરી રહ્યા હતા. ગયા વર્ષે એકવાર આવું બન્યું હતું અને ત્યારે મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે રકમ કર્મચારીઓના ખાતામાં ફરીથી જમા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચમાં સરકારે કર્મચારીઓના જીપીએફ ખાતામાં મોંઘવારી ભથ્થાની બાકી રકમ જમા કરાવી હતી પરંતુ તે પછી તરત જ રકમ ઉપાડી લેવામાં આવી હતી.


વિરોધ પક્ષોએ મુખ્યમંત્રી પાસે સ્પષ્ટતાની માંગ કરી


વિપક્ષી દળોએ કર્મચારીઓના પૈસા ગેરકાયદેસર રીતે ઉપાડવા પર મુખ્યમંત્રી સમક્ષ ખુલાસો માંગ્યો હતો. તેમણે સમગ્ર મામલે શ્વેતપત્ર બહાર પાડવાની પણ માંગ કરી છે. તેલુગુ દેશમ પાર્ટીના એમએલસી અને આંધ્રપ્રદેશ એનજીઓ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ પી અશોક બાબુએ સરકાર પાસે નાણાકીય વ્યવહારો પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાની માંગ કરી હતી.