નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને  વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ થયા બાદથી પાકિસ્તાન દ્ધારા ભારત વિરુદ્ધ સતત કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ભારતીય સેનાના વડા જનરલ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યુ છે.  પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને લઇને રાવતે કહ્યું કે, આર્મી પીઓકેને લઇને કોઇ પણ અભિયાન માટે પુરી રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકારના નિર્દેશ પર સૈન્ય કોઇ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે પીઓકેને લઇને આપેલા નિવેદનના સવાલ પર રાવતે કહ્યું કે, તેના પર નિર્ણય સરકારે લેવાનો છે. અન્ય સંસ્થાઓ તો જેમ સરકાર કહેશે તેવી રીતે તૈયારીઓ કરશે. સેનાની તૈયારીઓને લઇને પૂછાયેલા સવાલ પર રાવતે કહ્યું કે, સૈન્ય તો હંમેશા કોઇ પણ કાર્યવાહી માટે તૈયાર રહે છે.


જનરલ રાવતે કહ્યું કે, પીઓકેને લઇને સરકારના  નિવેદનથી ખુશી થઇ છે. આના પર નિર્ણય સરકારે લેવાનો છે. પરંતુ અમે નિર્દેશના આધાર પર તૈયાર છે. આ અગાઉ સંરક્ષણ મંત્રી રાજનાથ સિહે પણ પીઓકેને લઇને પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાન સાથે હવે કોઇ પણ વાતચીત થશે એ પીઓકેને લઇને થશે. એટલુ જ નહી છ ઓગસ્ટના રોજ હોમ મિનિસ્ટર અમિત શાહે સંસદમાં 370 પર વિપક્ષના સવાલોના જવાબ આપતા કહ્યુ હતું કે, અમે જીવ આપી દઇશું પરંતુ પીઓકે લઇને રહીશું.

પીઓકેને લઇને રાવતે કહ્યું કે, સરકારને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર પર નિર્ણય લેવાનો છે. સૈન્ય કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે. કાશ્મીરમાથી કલમ 370 હટાવ્યાના નિર્ણયનું આર્મી ચીફે સ્વાગત કર્યુ હતું. તેમણે કહ્યું કે, કાશ્મીરના લોકો પણ આપણા દેશના છે. કાશ્મીરના શાંતિ જાળવવા માટે સુરક્ષા દળોને તક આવવી જોઇએ.