નવી દિલ્હીઃ સેના પ્રમુખ બિપીન રાવતે દાવો કર્યો છે કે, હાલ બાલાકોટમાં ફરીથી આતંકી કેમ્પો સક્રિય થયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઇક કરીને આ તમામ આતંકી કેમ્પોને 26 ફેબ્રુઆરીએ તબાહ કરી નાંખ્યા હતા. અહીં ખાસ કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ છે.

સેના પ્રમુખ બિપીન રાવતે કહ્યું કે, પાકિસ્તાને તાજેતરમાં જ બાલાકોટમાં ફરીથી આતંકી કેમ્પોને એક્ટિવ કરી દીધા છે, આનાથી ખબર પડે છે કે બાલાકોટ પ્રભાવિત થયુ હતુ. તે તબાહ થઇ ગયુ હતુ. એટલે ત્યાંથી લોકો ચાલ્યા ગયા હતા હવે તે ફરીથી એક્ટિવ થયા છે.



સેના પ્રમુખે દાવો કર્યો છે કે, લગભગ 500થી વધુ ઘૂસણખોરો ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે. સેના પ્રમુખે કહ્યું કે, ભારતીય વાયુસેનાએ કેટલાક પગલા ભર્યા છે અને હવે ત્યાં તેમને લોકોનું સમર્થન મળ્યુ છે.



નોંધનીય છે કે, 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, પુલવામામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા, તો વાયુસેનાએ બદલો લેતા સામે 300થી વધુ આતંકીઓને ઠાર માર્યા હતા.