પ્રયાગરાજ:  21 જાન્યુઆરી, 2026 ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક સૈન્ય ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. વિમાન અચાનક દિશા બદલી ગયું અને શહેરની મધ્યમાં એક તળાવમાં ક્રેશ થયું હતું. આ અકસ્માત કેપી કોલેજની પાછળ થયો હતો. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને વહીવટીતંત્રને ઘટના અંગે જાણ કરી હતી, જેના પગલે ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

Continues below advertisement

Continues below advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ ત્રણ લોકોને બચાવ્યા હતા. હાલમાં તે સ્પષ્ટ નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટેકઓફ દરમિયાન વિમાન સામાન્ય સ્થિતિમાં હતું, પરંતુ થોડીવાર પછી તે સંતુલન ગુમાવી બેઠું અને તળાવમાં પડી ગયું. ક્રેશ થયાનો અવાજ સાંભળીને સેંકડો સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. આ ઘટના બાદ, સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

ત્રણ લોકોને બચાવ્યા

પ્રત્યક્ષદર્શીએ  જણાવ્યું હતું કે, "અમે શાળા કેમ્પસમાં હતા ત્યારે અમને રોકેટ જેવો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને, અમે સ્થળ પર દોડી ગયા અને કેટલાક લોકો દલદલમાં ફસાયેલા જોવા મળ્યા હતા. અમે તળાવમાં કૂદી પડ્યા અને ત્રણ લોકોને બચાવ્યા હતા."

ભારતીય વાયુસેના તરફથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર, માઇક્રોલાઇટ વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતું. તેમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. બંને પાઇલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી, જેના કારણે વહીવટીતંત્ર અને વાયુસેનાને રાહત મળી છે.

પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે

ઘટનાની માહિતી મળતાં જ  સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તળાવની આસપાસ બેરિકેડ્સ ઉભા કરવામાં આવ્યા છે, અને બચાવ કામગીરી હાલમાં ચાલુ છે. વિમાનને તળાવમાંથી બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે જેથી ટેકનિકલ તપાસ કરી શકાય.

વાયુસેના અને વહીવટીતંત્રની સંયુક્ત ટીમ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. શરૂઆતમાં, ટેકનિકલ ખામી અથવા સંતુલન ગુમાવવાની શંકા છે, જોકે તપાસ પૂર્ણ થયા પછી જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે તાલીમ ઉડાન દરમિયાન સલામતીના ધોરણોનું કડક પાલન કરવામાં આવે છે અને આ અકસ્માતના દરેક પાસાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.