Arshad Madani: જમીઅત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે આપેલા એક વિવાદાસ્પદ નિવેદને રાજકીય ગરમાવો લાવી દીધો છે. મદનીએ સરખામણી કરી હતી કે લંડન અને ન્યૂયોર્કમાં મુસ્લિમો મેયર બની શકે છે, જ્યારે ભારતમાં તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) પણ બની શકતા નથી. આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP) એ આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપે આઝમ ખાન અને ભ્રષ્ટ શૈક્ષણિક સંસ્થાઓના ઉદાહરણો આપીને કહ્યું છે કે મુસ્લિમો માટે ભારતથી સુરક્ષિત કોઈ દેશ નથી અને હિન્દુઓથી સારા કોઈ પડોશી નથી.
મદનીનું વિવાદાસ્પદ નિવેદન
મૌલાના અરશદ મદનીએ તાજેતરમાં દેશમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા પશ્ચિમી દેશોના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, "આજે દુનિયામાં જુઓ, સાદિક ખાન લંડનના મેયર બની શકે છે અને ઝોહરાન મમદાની જેવા નેતા ન્યૂયોર્કના મેયર બની શકે છે. પરંતુ ભારતમાં સ્થિતિ એવી છે કે એક મુસ્લિમ માટે યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર બનવું પણ મુશ્કેલ છે." તેમના આ નિવેદનનો સુર એવો હતો કે ભારતમાં મુસ્લિમોને યોગ્ય પ્રતિનિધિત્વ કે પદ મળતા નથી.
ભાજપનો પલટવાર: "ભારત જ મુસ્લિમો માટે સ્વર્ગ છે"
મદનીના આક્ષેપોને ફગાવતા ભાજપ નેતા યાસર જિલાનીએ તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મુસ્લિમો માટે સમગ્ર વિશ્વમાં ભારતથી સારી અને સુરક્ષિત જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. હિન્દુ સમાજ હંમેશા એક 'મોટા ભાઈ'ની ભૂમિકામાં રહ્યો છે અને તેમનાથી સારો માણસ કોઈ નથી." ભાજપે આરોપ લગાવ્યો કે મદની આવા નિવેદનો આપીને સમાજમાં માત્ર મૂંઝવણ (Confusion) અને ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.
આઝમ ખાન અને જૌહર યુનિવર્સિટીનો ઉલ્લેખ
ભાજપે મૌલાનાના શિક્ષણ ક્ષેત્રે ભેદભાવના આરોપોનો જવાબ આપવા માટે આઝમ ખાન અને અલ-ફલાહ યુનિવર્સિટીના કિસ્સાઓ યાદ અપાવ્યા હતા. ભાજપ નેતાએ કહ્યું કે, "એક તરફ મદની શિક્ષણની વાત કરે છે, તો બીજી તરફ આઝમ ખાન જેવા નેતાઓ છે જેમણે ગરીબોની જમીનો પચાવી પાડીને જૌહર યુનિવર્સિટી બનાવી હતી. આ કેસમાં ખુદ મુસ્લિમોએ જ આઝમ ખાન વિરુદ્ધ FIR નોંધાવી હતી." તેવી જ રીતે, અલ-ફલાહ યુનિવર્સિટીના માલિક પર પણ છેતરપિંડી અને ગુનાહિત પ્રવૃત્તિઓના આરોપો છે. સરકાર ગુનેગારો સામે કાર્યવાહી કરે છે, તેને ધર્મ સાથે જોડવું યોગ્ય નથી.
"આતંકવાદ વિરુદ્ધ ફતવો બહાર પાડો"
ભાજપે મદનીને સલાહ આપતા કહ્યું કે સરકારની ટીકા કરવાને બદલે તેમણે સમાજ સુધારણા પર ધ્યાન આપવું જોઈએ. યાસર જિલાનીએ કહ્યું, "મદનીએ એવા ભટકેલા યુવાનો વિરુદ્ધ ફતવો બહાર પાડવો જોઈએ જેઓ આતંકવાદના રસ્તે જઈ રહ્યા છે." ભાજપે દાવો કર્યો કે વર્તમાન કેન્દ્ર સરકાર હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી - એમ તમામ સમુદાયોને સાથે લઈને ચાલી રહી છે. અહીં જો કોઈને સજા થાય છે તો તે તેના ગુના માટે હોય છે, તેની ધાર્મિક ઓળખ માટે નહીં.