નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે 73મી સ્વતંત્રતા દિવસના અવસર પર ગુરુવારે કહ્યું કે, મોદી સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઇ લીધો હતો કારણ કે આખા સમાજનો સંકલ્પ હતો. આ પ્રકારનો નિર્ણય લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ઇચ્છાશક્તિની પ્રશંસા કરી હતી. ભાગવતે કહ્યું કે, વડાપ્રધાન મોદી અંગે લોકો કહે છે કે તે છે તો મુમકીન છે. તેમણે કહ્યું કે દેશના 73મા સ્વતંત્રતા દિવસ પર જ એક ધારણા છે કે જો લોકો દઢ સંકલ્પ કરે છે તો તે અસંભવને પણ સંભવ બનાવી શકે છે.


મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હેડઓફિસમાં સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર લોકોને અભિનંદન આપતા ભાગવતે કહ્યું કે,આખા સમાજના સંકલ્પના કારણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઇઓ ઘટાવી શકે છે એટલા માટે આપણે આજે એ સંકલ્પને ફરીથી દોહરાવીએ છીએ. આજે સ્વતંત્રતા માટે આપવામાં આવેલા બલિદાનોને યાદ કરવા અને ફરીથી આવા સંકલ્પ લેવાનો દિવસ છે.

બાદમાં ડો હેડગેવાર સ્મૃતિ મંદિર પરિસરમાં ધ્વજ ફરકાવતા ભાગવતે મોદી અને જમ્મુ કાશ્મીરનું નામ લીધા વિના કહ્યું કે, આ લોકોની ઇચ્છાશક્તિ હતી જેને દેશના નેતૃત્વને એ રાજ્યમાં આ પગલુ ભરવાની તાકાત આપી હતી.