નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસર પર પાકિસ્તાને પોતાના નાપાક હરકતો ચાલુ રાખી હતી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં એકવાર ફરી સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતીય સૈન્યએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ અગાઉ પણ પાકિસ્તાન અનેકવાર સીઝફાયરનો ભંગ કરી ચૂક્યું છે.


તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાંથી નરેન્દ્ર મોદી સરકારે કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદથી જ જમ્મુ કાશ્મીરમાં સૈન્ય એલર્ટ પર છે. રિપોર્ટ્સ અનુસાર, જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદથી આતંકીઓ મારફતે હિંસા ફેલાવવાની આશંકા છે.

જાસૂસી વિભાગે એ વાતની આશંકા વ્યક્ત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી વધી શકે છે.સૂત્રોના મતે ઘૂસણખોરીને અંજામ આપવા માટે પાકિસ્તાની સૈન્ય ભારે ગોળીબાર કરે છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સુરક્ષા માટે સૈન્ય, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ સાથે બેઠક કરી હતી.