નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવાને લઇને 24 કલાકમાં ભાજપના ટોચના નેતાઓએ મોટા નિવેદન આપ્યા છે. શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યુ હતું કે, કલમ 370 સ્થાયી નથી ત્યારબાદ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, પંડિત નેહરૂજી કહેતા હતા કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવાનારી કલમ 370 સમયની સાથે હટી જશે.


નરેન્દ્ર મોદી સરકારના આ બે મંત્રીઓ નિવેદન બાદ ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરની કલમ 370 કોઇ પણ સંજોગોમાં ખત્મ થશે. શનિવારે રામ માધવે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર કલમ 370ને ખત્મ કરવા માટે પ્રતિબદ્ધ છે. રામ માધવે એએનઆઇને કહ્યું કે, જ્યાં સુધી કલમ 370નો સવાલ છે કે અમારી વૈચારિક પ્રતિબદ્ધતા વિશે તમામ લોકો જાણે છે. રામ માધવે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આ વાતને સ્પષ્ટ કરી દીધી છે.

રામ માધવે કહ્યું કે, અમારી સરકાર કાશ્મીર સાથે જોડાયેલ તમામ મુદ્દાઓને ઉકેલવા માંગે છે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે. જ્યારે દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુએ તેને લાગુ કરી હતી ત્યારે કહ્યુ હતું કે, આ અસ્થાયી છે અને ટૂંક સમયમાં તેને હટાવી દેવામાં આવશે.