શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને બહેનને કલમ 370 હટાવવાનો વિરોધ કરવાના મામલે અટકાયત કરવામાં આવી છે. ફારૂક અબ્દુલ્લાની પુત્રી સાફિયા અને બહેન સુરૈયા સહિત છ મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.


બાંયો પર કાળી પટ્ટી બાંધીને તખ્તીઓ હાથમાં પકડીને પ્રદર્શન કરી રહી હતી, તે દરમિયાન પોલીસે મહિલાઓને પ્રદર્શન કરતાં રોક્યા અને શાંતિપૂર્ણ રીતે ઘરે જવાનું કહ્યું, જોકે મહિલાઓએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલાઓ પ્રદર્શન ચાલુ રાખીને ધરણાં પર બેસી ગઇ, જે બાદ મહિલાઓને સીઆરપીએફના જવાનોએ પોલીસ વાહનમાં બેસાડી દીધી હતી.



મહિલાઓનું કહેવુ છે કે, અમે કાશ્મીરની મહિલાઓએ ભારત સરકાર દ્વારા કલમ 370 અને 35એ હટાવવા અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કરવાના એકતરફી નિર્ણયનો અસ્વીકાર કરી દીધો છે. તેમને અટકાયત કરેલા બધાને મુ્કત કરવાની પણ માંગ કરી હતી.


ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તે પહેલા જ ફારૂક અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી કોઇ રાજકીય પક્ષા પ્રદર્શન કે વિરોધમાં ના ઉતરી શકે.