મધ્ય પ્રદેશના બેતૂલના હાઈવે પર બિન્દાસ કાર પસાર થઈ રહી હતી ત્યારે 2 કિલોગ્રામનો પથ્થર કારની ઉપર પડતાં કારનું પતરું ફાડીને અંદર આવતાં બેન્ક મેનેજરનું મોત નિપજ્યું હતું. આ ઘટના જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં.

મધ્યપ્રદેશના બેતુલ-નાગપુર હાઈવે પર બેન્કમાં નોકરી કરી રહેલા ત્રણ કર્મચારી પોતાની કારમાં મુલતાઈ જઈ રહ્યા હતા. ત્રણેય વાતચીત કરી રહ્યા હતાં તેવામાં બંદૂકની ગોળીની ઝડપે એક મોટો પથ્થર ચાલતી કારની ઉપરનું પતરું તોડીને અંદર ઘુસી ગયો હતો અને કાર ચલાવી રહેલા બેન્ક મેનેજર અશોક વર્માના માથ પર વાગ્યો હતો. પથ્થર એટલો જોરથી અશોક વર્માના માથા પર વાગ્યો હતો કે તેમનું આખું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એડિશનલ એસપી આરએસ મિશ્રાએ જણાવ્યું હતું કે, બેન્કના કર્મચારી કારથી મુલતાઈ જઈ રહ્યા હતા. હાઈવેની પાસે બનેલ એક સ્ટોન ક્રશરમાં બ્લાસ્ટિંગથી પથ્થર ઉછળ્યો જે તેમની કારનું પતરું ફાડી તેમના માથામાં વાગ્યો હતો અને અશોક વર્માનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.