Arunachal Pradesh Army Soldiers: અરુણાચલ પ્રદેશમાં હિમસ્ખલન બાદ ગુમ થયેલા 7 આર્મી જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. સોમવારે 7 ફેબ્રુઆરીએ કહેવામાં આવ્યું હતું કે અરુણાચલમાં સેનાની પેટ્રોલિંગ ટીમ હિમપ્રપાતની ઝપેટમાં આવી ગઈ છે. ત્યારથી સેનાનું બચાવ અભિયાન સતત ચાલુ હતું.



ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદન


જોકે, સેનાના આ 7 સૈનિકોમાંથી કોઈને પણ જીવતા બહાર નથી કાઢી શકાયા.  તેઓ મળ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. હાલમાં દરેકના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેમાંગ સેક્ટરના ઊંચાઈવાળા વિસ્તારમાં હિમપ્રપાતમાં ફસાયેલા સાત સેનાના જવાનોના મોત થયા છે. હિમસ્ખલન સ્થળ પરથી તમામ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.


સેનાની વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી


આ પહેલા સેનાએ માહિતી આપતા કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરમાં 7 જવાનોની પેટ્રોલિંગ પાર્ટી હિમસ્ખલનની ચપેટમાં આવી ગઈ છે. જેમાં તમામ સૈનિકો ગુમ હોવાનું જણાવાયું હતું. સેનાએ જણાવ્યું હતું કે આ તમામ જવાનોને બચાવવા માટે એક વિશેષ ટીમને એરલિફ્ટ કરીને સ્થળ પર મોકલવામાં આવી હતી.


જે વિસ્તારમાં આ હિમસ્ખલન અને હિમપ્રપાતની ઘટના બની હતી તે વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ભારે હિમવર્ષા થઈ રહી હતી. જેના કારણે હવામાન ખરાબ હતું. કારણ કે આ વિસ્તાર ચીનની સરહદને અડીને આવેલો છે, આવી સ્થિતિમાં સેનાના જવાનો અહીં સતત પેટ્રોલિંગ કરે છે. પેટ્રોલિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો.