India-China Clash : ભારત અને ચીન ફરી એકવાર સામ સામે આવી ગયા છે. આ વખતે બંને દેશોના સૈનિકો વચ્ચે આ હિંસાની આ ઘટના અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘટી છે. ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસા થઈ હતી જેમાં ઘણા સૈનિકો ઘાયલ થયા હતા. જો કે આ અહેવાલને લઈને ભારતીય સેનાના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પરંતુ સામે આવેલા અહેવાલ પ્રમાણે અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય સૈનિકો અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી અને તેમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. જેમાંથી કેટલાક ભારતીય સૈનિકો સારવાર હેઠળ હોવાનું કહેવાય રહ્યું છે. 


ભારત- ચીનના સૈનિકો વચ્ચેની આ અથડામણ કંઈ પહેલીવારની નથી. આ અગાઉ વર્ષ 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસે વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. હાલમાં તવાંગ અથડામણને લઈને જે માહિતી સામે આવી છે તેમાં 30થી વધુ ભારતીય જવાનોને સામાન્ય ઈજા થઈ છે. તો સામે ચીનના ઘણા સૈનિકો પણ ઘાયલ થયા છે અને તેમની સંખ્યા વધુ છે. આ ઘટના બાદ બંને દેશોના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મીટિંગ પણ થઈ હતી. આ ઘટનાએ ફરી એકવાર ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણની યાદ અપાવી છે જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા.


ગેલવાનમાં શું થયું હતું?


15 જૂન 2020ના રોજ પૂર્વી લદ્દાખની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતીય સેનાના કર્નલ સહિત 20 જવાનો શહીદ થયા હતા. બંને દેશો વચ્ચેના આ સંઘર્ષને ભારત-ચીન સરહદ પર છેલ્લા 4 દાયકાનો સૌથી ગંભીર સંઘર્ષ ગણાવ્યો હતો. ભારતે આ સંઘર્ષમાં તેના સૈનિકોની જાનહાનિની ​​જાહેરાત કરી હતી પરંતુ ચીને તેના વિશે કોઈ વિગતો આપી નથી. જો કે, ભારતે કહ્યું હતું કે ચીની સેનાને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.


ચીનના જુઠ્ઠાણાં


16 જૂને આ અથડામણને લઈને ભારતીય સેનાનું નિવેદન બહાર આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અથડામણના સ્થળે ફરજ પર તૈનાત 17 ગંભીર રીતે ઘાયલ જવાનો શહીદ થયા છે. આ સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. ચીને એક નિવેદન પણ બહાર પાડ્યું હતું, પરંતુ તે સ્પષ્ટ નથી થયું કે તેના કેટલા સૈનિકો મૃત્યુ પામ્યા છે, પરંતુ કેટલાક મહિનાઓ બાદ ફેબ્રુઆરી 2021માં ચીને તેના 4 સૈનિકોને મરણોત્તર મેડલ જાહેર કર્યા હતા જેઓ ગાલવાન ખીણની અથડામણમાં મૃત્યુ પામ્યા હતા.


આ રિપોર્ટમાં અલગ-અલગ દાવો


ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન અખબાર ધ ક્લેક્સનનો એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીન તરફથી 4 સૈનિકોના મૃત્યુનો આંકડો જણાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં આ આંકડો 9 ગણો વધુ છે અને ઓછામાં ઓછા 38 પીએલએ સૈનિકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, LAC પર કેટલાક વિસ્તારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચીન આ ભાગોને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન હવે રણનીતિ હેઠળ લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં ગતિવિધિઓ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.