નવી દિલ્હીઃ નોટબંધી પર મોદી સરકાર પર ચારેબાજુથી પ્રહાર થઈ રહ્યા છે. સંસદમાં ઘમાસન ચાલુ છે અને વિપક્ષ વોટિંગ અંતર્ગત ચર્ચા કરવાની માગ કરી રહ્યું છે તો આજે દિલ્હીના આઝાદપુર મંડીમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે એકસાથે આકરા પ્રહાર કર્યા.
મમતા બેનર્જીએ ત્રણ દિવસની અંદર નોટબંધીનો નિર્ણય પાછો ખેંચવાની માગ કરી તો અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નોટબંધીની આડમાં મોદી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે.
દિલ્હીના સીએમે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પીએમ મોદીએ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિદેશ ભગાડ્યો, માલ્યા પર બેંકોનું ભારે દેવું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, નોટબંધીની આડમાં 8 લાખ કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. તેમનું એ પણ કહેવું છે કે, 2000 રૂપિયાની નોટ આવવાથી ભ્રષ્ટાચારમાં વધારો થશે.
નોટબંધીના નિર્ણયને લોક વિરોધી ગણાવતા અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવતા કહ્યું કે, કોઈ અમીર બેંકની બહાર લાઈનમાં છે? તેમણે કહ્યું કે, નોટબંધીની આડમાં કાળાનાણાંને સફેદ કરવામાં આવી રહ્યા છે અને તેના રેટ ખુલી ગયા છે, જે 40 ટકા છે.
અરવિંદ કેજરીવાલે એપણ કહ્યું કે, લોકોના રૂપિયા જમા કરાવી રહ્યા છે અને સરકાર ઉદ્યોગપતિની લોન માફ કરી રહી છે. નોટબંધીથી સામાન્ય લોકોને કંઈ મળવાનું નથી.