નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને નોટબંદીને આઝાદ ભારતને અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. કેજરીવાલે ટ્વિટરમાં લખ્યું- નોટબંદી આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ છે. મોટા લોકો પાસેથી પૈસા ખાઈને આમ જનતાને ભૂખે રાખીને લાઈનમાં ઉભા રાખવામાં આવી રહ્યા છે. મોદીજીએ દેશ સાથે ખોટું કર્યું છે.


કેજરીવાલે પીએમ મોદી પર હુમલો કરતા ટ્વિટ કર્યું- બિરલાએ મોદીજીને પૈસા આપ્યા- તેના દસ્તાવેજો મેં ગઈકાલે વિધાનસભામાં રજૂ કર્યા હતા. પરંતુ તે મુદ્દે અત્યાર સુધી ભાજપા ચૂપ છે. ભાજપા પાસે તેનો કોઈ જવાબ નથી.

તેના પહેલા મંગળવારે પીએમ મોદીના માતા હિરાબાને મોદીએ લાઈનમાં ઉભા રાખીને નોટ એક્સચેંજ કર્યા હતા. તેના પર કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મોદીજીએ રાજકારણમાં પોતાની માતાને લાઈનમાં ઉભા રાખીને બરાબર કર્યું નથી. ક્યારેક લાઈનમાં ઉભા રહેવાનું થશે તો હું લાઈનમાં ઉભો રહીશ, માતાને ક્યારેય લાઈનમાં નહી ઉભી રાખું.