મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે કેજરીવાલને નીચલી અદાલતે આપેલા જામીનના નિર્ણય પર સ્ટે મુકી દીધો છે. જસ્ટિસ સુધીર કુમાર જૈનની બેન્ચે રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણય પરનો સ્ટે યથાવત રાખ્યો છે. કેસની સુનાવણી શરૂ કરતી વખતે કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટની વેકેશન બેન્ચે કેજરીવાલને જામીન આપતી વખતે તેના વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો છે.  હાઈકોર્ટે કહ્યું કે અમે બંને પક્ષોને સાંભળ્યા. પરંતુ નીચલી કોર્ટે EDના દસ્તાવેજોને ધ્યાનમાં લીધા ન હતા. નીચલી અદાલતે પીએમએલએની કલમ 45ની બેવડી શરતોને ધ્યાનમાં લીધી ન હતી.

Continues below advertisement

Continues below advertisement

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે ઇડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ રાજુએ મુદ્દો ઉઠાવ્યો હતો કે નીચલી કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે આટલા બધા દસ્તાવેજો વાંચવા શક્ય નથી. આવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય હતી અને દર્શાવે છે કે ટ્રાયલ કોર્ટે રેકોર્ડ પર ધ્યાન આપ્યું ન હતું.

વાસ્તવમાં અગાઉ નીચલી અદાલતે આ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા, જે બાદમાં હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી 25 જૂન સુધી રોક લગાવી દીધી હતી. કેજરીવાલને જામીન પર છોડવાના નીચલી અદાલતના આદેશને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ઇડીનું કહેવું છે કે નીચલી કોર્ટે કેજરીવાલને એકતરફી જામીન આપ્યા હતા.

ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે નીચલી કોર્ટનો આદેશ એકતરફી અને કોટો છે જે અપ્રાસંગિક તથ્યો પર આધારિત છે. નીચલી અદાલતે પણ તથ્યોને ધ્યાનમાં લીધા નથી. જામીન રદ કરવા માટે આનાથી વધુ સારો કેસ હોઈ શકે નહીં. EDએ કહ્યું છે કે તપાસના મહત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે.

કેજરીવાલને પહેલીવાર 10 મેના રોજ જામીન મળ્યા હતા

અરવિંદ કેજરીવાલને 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી તેમણે 2 જૂને સરેન્ડર કર્યું હતું. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. આ પછી કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. કેજરીવાલની 21 માર્ચે દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.