નવી દિલ્હીઃ નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા પ્રકોપ અને લોકડાઉન 3.0 લાગુ થયા બાદ અપાયેલી છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. પરિણામે દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવવાનો નિર્ણય લીધો છે. આ નવો ટેક્સ એમઆરપી પર 70 ટકા લાગશે. વધેલા ભાવ મંગળવાર સવારથી જ લાગુ થઈ જશે. આ સાથે જ એક્સાઈઝ કમિશનરે પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે દારૂની દુકાનો પર કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ મદદ કરે. હવે દિલ્હીમાં જે દારૂની બોટલ 1000 રૂપિયામાં મળતી હતી તે મંગળવારથી 1700 રૂપિયામાં મળશે. કોરોના ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકાયો છે પણ દારૂડિયાઓને તો બસ દારૂની બોટલ જ જોવા મળી રહી છે.

જો કે રાતોરાત સરકારે ભીડ ઓછી કરવા માટે દારૂના ભાવ વધારી દીધા છે. કહેવાય છે કે રેટ વધી જવાથી હવે દુકાનો પર ભીડ ઘટશે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાની અનેક તસવીરો સામે આવ્યાં બાદ કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ હતી. દિલ્હીમાં 40 દિવસથી વધુ દિવસ બાદ દારૂની દુકાનો સોમવારે ખુલી હતી ત્યારે કેટલીક તો બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નહતાં. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો.


દિલ્હીમાં દારૂની દુકાનો પર સામાજિક અંતરનું પાલન ન થતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધનએ કહ્યું કે જો આ પ્રકારની ઘટના ક્યાંય પણ બની રહી છે, તો તે મને વિચલિત કરે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, મને દુઃખી અને આશ્ચર્ય થાય છે કે કોઈ પણ સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, જો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે, તો તેની સમીક્ષા થવી જ જોઇએ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ સામાજિક અંતરના ફિયાસ્કાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો હવે અમને ખબર પડી કે સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી. અમારે એ વિસ્તારને સીલ કરીને જે છૂટછાટ આપવામાં આવી રહી છે તે પરત લેવી પડશે. દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય માટે કડક પગલા ભરવા પડશે.