જાણકારોના મતે અરવિંદ કેજરીવાલે 16 ફેબ્રુઆરીના રોજ યોજાનારા શપથ સમારોહ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે. તે સિવાય દિલ્હીના સાત ભાજપના સાંસદોને પણ બોલાવ્યા છે. જોકે, હજી સુધી એ જાણી શકાયું નથી કે વડાપ્રધાન મોદી આ સમારંભમાં જશે કે નહીં. જોકે, વડાપ્રધાન મોદી 16 ફેબ્રુઆરીના રોજ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં રહેશે. તેઓ વારાણસીમાં લગભગ 1700 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે.
આપની દિલ્હી એકમના સંયોજક ગોપાલ રાયે કહ્યું કે, વડાપ્રધાન મોદીને શુક્રવારે સવારે પત્ર મોકલવવામાં આવ્યો છે. દિલ્હીના તમામ સાતેય સાંસદો અને ભાજપના આઠ નવા ધારાસભ્યોને પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. રાયે જણાવ્યું કે, અન્ય રાજ્યોના કોઇ પણ મુખ્યમંત્રી અને નેતા સમારોહમાં સામેલ નહી થાય કારણ કે આ દિલ્હીનો સમારોહ છે. કેજરીવાલે ન્યૂઝપેપરમાં જાહેરાતોના માધ્યમથી દિલ્હીવાસીઓને શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.