Arvind Kejriwal News:  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. કેજરીવાલે કોર્ટને અપીલ કરી હતી કે તેમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેના ડોક્ટરો પાસેથી સલાહ લેવાની મંજૂરી આપવામાં આવે. ઈન્સ્યુલિન આપવા માટે પણ મુખ્યમંત્રીએ અપીલ કરી હતી. દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે કહ્યું કે, AIIMSની પેનલ નક્કી કરશે કે તેમને ઈન્સ્યુલિન આપવામાં આવે કે નહીં. સીએમ કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે એઈમ્સના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક પેનલની રચના કરવામાં આવી હતી.






સીએમ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે. 21 માર્ચે પૂછપરછ બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. સીએમ કેજરીવાલે તેમની અરજીમાં માંગ કરી હતી કે તેમને તેમની પત્નીની હાજરીમાં 15 મિનિટ સુધી ડૉક્ટરને નિયમિત મળવાની મંજૂરી આપવામાં આવે.


સીએમ કેજરીવાલની અરજી પર 15 મેના રોજ સુનાવણી


બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે સોમવારે સીએમ કેજરીવાલને 15 મે માટે જાહેર કરેલા સમન્સને પડકારતી અરજીઓ પર સુનાવણીની સૂચિબદ્ધ કરી હતી. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની બેન્ચે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાને એજન્સી દ્વારા સબમિટ કરેલા જવાબ પર પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે.






સીએમ કેજરીવાલે જેલ પ્રશાસનને પત્ર લખ્યો છે


દરમિયાન, AAPએ સોમવારે કહ્યું કે મુખ્યમંત્રીએ તિહાર જેલના અધિક્ષકને પત્ર લખીને દાવો કર્યો છે કે તેઓ દરરોજ ઇન્સ્યુલિનની માંગ કરી રહ્યા છે કારણ કે તેમનું સુગર લેવલ વધી રહ્યું છે. સીએમ કેજરીવાલે જેલ અધિકારીઓના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે એઈમ્સના ડોક્ટરોએ કહ્યું છે કે મુખ્યમંત્રીના સ્વાસ્થ્યને લઈને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.


જેલ સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીએમ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે જેલ પ્રશાસન રાજકીય દબાણ હેઠળ ખોટું બોલી રહ્યું છે. તિહાર પ્રશાસને રવિવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓએ 20 એપ્રિલે AIIMSના વરિષ્ઠ નિષ્ણાતો સાથે કેજરીવાલની વીડિયો કોન્ફરન્સની વ્યવસ્થા કરી હતી જે દરમિયાન સીએમ કેજરીવાલે ઇન્સ્યુલિનનો મુદ્દો ઉઠાવ્યો ન હતો અને ડોક્ટરોએ પણ આવી કોઈ સલાહ આપી નહોતી.






કેજરીવાલની હત્યાના કાવતરાનો આપ પાર્ટીએ લગાવ્યો આરોપ


આમ આદમી પાર્ટીએ તિહાર પ્રશાસન પર ડાયાબિટીસથી પીડિત સીએમ કેજરીવાલને ઇન્સ્યુલિન ન આપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ તેમની 'હત્યા' કરવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો હતો.


પત્રમાં સીએમ કેજરીવાલે કહ્યું છે કે તિહાર પ્રશાસનના નિવેદનો ખોટા છે અને તેઓ દરરોજ ઇન્સ્યુલિનની માંગ કરી રહ્યા છે. તેમનું શુગર લેવલ દિવસમાં ત્રણ વખત વધે છે અને 250 થી 320 ની વચ્ચે રહે છે. સીએમ કેજરીવાલે પત્રમાં એમ પણ લખ્યું છે કે એઇમ્સના ડોકટરોએ ચિંતા કરવાની જરૂર નથી એવું કહ્યું નથી.