નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે ખેડૂતોના સમર્થનમાં કાલે એક દિવસનો ઉપવાસ કરશે. આ સાથે જ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને પણ ઉપવાસ કરવાની અપીલ કરી છે. કાલે આંદોલનમાં સામેલ તમામ ખેડૂત સંગઠનોના નેતાઓ ઉપવાસ કરશે. દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18માં દિવસ છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, 'હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, સમર્થકો અને જનતાને અપીલ કરુ છું કે તેઓ ખેડૂતોના સમર્થનમાં કાલે એક દિવસના ઉપવાસ કરે. હું કાલે ઉપવાસ કરીશ.'



આ સાથે જ તેમણે કહ્યું, કેટલાક કેંદ્ર સરકારના મંત્રી અને ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે ખેડૂતો રાષ્ટ્ર-વિરોધી છે. ઘણા પૂર્વ સૈનિક, રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, ગાયક, જાણીતી હસ્તીઓ, વેપારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. ભાજપને પૂછવા માંગીએ છીએ કે શું આ તમામ લોકો પણ દેશદ્રોહી છે ?

અરવિંદ કેજરીવાલે કહ્યું, કૃષિ કાયદાની વિરૂદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની તમામ માંગોને કેંદ્રએ તુરંત સ્વીકાર કરવો જોઈએ અને એમએસપીની ગેરંટી માટે બીલ લાવવું જોઈએ. કેંદ્રએ અહંકાર છોડી દેવો જોઈએ અને ખેડૂતો જે ત્રણ કૃષિ બિલનો વિરોધ કરે છે તેને રદ્દ કરવા જોઈએ.