Assam: આસામ પોલીસની CIDએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યું છે. CID એ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગુવાહાટીમાં કથિત જાહેર સંપત્તિ નષ્ટ કરવા મામલે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને સમન્સ પાઠવ્યા છે.


સીઆઈડીએ રાહુલ ગાંધી ઉપરાંત કેસી વેણુગોપાલ, જિતેન્દ્ર સિંહ, ભૂપેન બોરા, ગૌરવ ગોગોઈ અને દેવબ્રત સૈકિયાને સમન્સ પાઠવ્યા છે. આ સાથે ઝાકિર હુસૈન સિકદર અને રમેન કુમાર સરમાને પણ સમન્સ જાહેર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓને 23 ફેબ્રુઆરીએ તેમની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસના નેતાઓ 23 ફેબ્રુઆરીએ આસામ CID સમક્ષ હાજર થવામાં નિષ્ફળ જાય છે તો તેઓ CrPCની કલમ 41A (3) હેઠળ ધરપકડ માટે જવાબદાર રહેશે. સૂચના અનુસાર, દરેકને 23 ફેબ્રુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે CID પોલીસ સ્ટેશન, ઉલુબલી, ગુવાહાટી ખાતે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.


લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે. આસામ અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ છે. કેન્દ્રીય નેતૃત્વએ રાજ્ય નેતૃત્વને દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે તૈયારીઓ શરૂ કરવા જણાવ્યું છે.


કોંગ્રેસ દિલ્હીની તમામ સીટો પર ચૂંટણી લડશે


આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસને એક સીટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કોંગ્રેસે ફગાવી દીધો હતો. કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીએ દિલ્હીની તમામ સાતેય બેઠકોને તેમના ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા કહ્યું છે. આમ આદમી પાર્ટીએ મંગળવારે (13 ફેબ્રુઆરી) કહ્યું કે તે દિલ્હીની સાત લોકસભા બેઠકોમાંથી છ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે અને ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસને એક બેઠક આપવા માટે તૈયાર છે.


બંગાળ, બિહાર અને પંજાબમાં પણ કોઈ ચર્ચા થઈ નથી


પશ્ચિમ બંગાળમાં TMC ચીફ મમતા બેનર્જીએ ઈન્ડિયા ગઠબંધન સિવાય એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આ પછી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ પણ ઈન્ડિયા ગઠબંધનથી અલગ થઈ ગઈ છે. પંજાબના સીએમ ભગવંત માને પણ કહ્યું છે કે તેઓ ત્યાં એકલા ચૂંટણી લડશે.