નવી દિલ્હી: બિહાર અને આસામમાં પૂર અને ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. આ બન્ને રાજ્યોમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા વધીને 150 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 1.15 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નિવેદન આપતા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને પરિવારોને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે.
બિહારમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં પૂરના કારણે મૃતકોની સંખ્યા 14 થઈ હતી. આ સાથે આંકડો વધીને 92 સુધી પહોંચ્યો છે. રાહત અને પૂનર્વાસ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અનુસાર સીતામઢી જીલ્લો પૂરથી વધુ પ્રભાવિત છે.
આસામમાં પૂરના કારણે અત્યાર સુધી 47 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યના 33માંથી 27 જિલ્લામાં 48.87 લાખ લોકો પ્રભાવિત છે. શુક્રવારે એક સત્તાવાર રિપોર્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 1.79 લાખ હેક્ટર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તથા પબિત્રો વન્યજીવ અભ્યારણ્યનો લગભગ 90 ટકા ભાગ પાણીના ડૂબી ગયો છે. 3,705 ગામોમાંથી 48,87,443 લોકો પૂરથી પ્રભાવિત છે.
બિહાર પૂર: નીતીશ કુમારે જાહેર કરી એક અબજથી વધુ રૂપિયાની સહાયતા