Flood Situation in Assam: પૂર્વોત્તર રાજ્ય આસામના ઘણા જિલ્લાઓમાં નદીઓમાં આવેલા પૂરના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે. શુક્રવારે આસામમાં પૂરના કારણે 45.34 લાખ લોકો પ્રભાવિત થયા હતા. જ્યારે આસામમાં છેલ્લા 24 કલાક દરમિયાન પૂરના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જે બાદ હવે આ વર્ષે આસામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 117 પર પહોંચી ગયો છે.






એક રિપોર્ટ અનુસાર, આસામમાં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 117 લોકોના મોત થયા છે, જેમાંથી 100 લોકોના મોત પૂરના કારણે થયા છે. જ્યારે 17 લોકોના મોત ભૂસ્ખલનના કારણે થયા છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન આસામના 28 જિલ્લાના 2,510 ગામોમાં કુલ 33,03,316 લોકો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે 91658.49 હેક્ટરમાં પાક પૂરના કારણે  નાશ પામ્યો હતો.






હાલમાં આર્મી, પોલીસ ફોર્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), SDRF, ફાયર અને ઈમરજન્સી કર્મીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.


717 રાહત શિબિરો અને 409 રાહત વિતરણ કેન્દ્રો બનાવાયા


વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આસામમાં પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 717 રાહત શિબિર અને 409 રાહત વિતરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં બે લાખ 65 હજારથી વધુ લોકોને આશરો આપવામાં આવ્યો છે.