Assam Flood: આસામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે છેલ્લા એક મહિનામાં પૂરને કારણે રાજ્યમાં 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય 23 લાખ લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


પૂરના કારણે પ્રાણીઓને નુકસાન થઈ રહ્યું છે અને અનેક ઈમારતોને નુકસાન થયું છે. રાજ્યમાં સેંકડો લોકો બેઘર બન્યા છે. નેમાટીઘાટ, તેજપુર, ધુબરી અને ગોલપારામાં બ્રહ્મપુત્રા અને અન્ય 9 નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે નદીઓનું જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે.


577 રાહત કેમ્પ બનાવવામાં આવ્યા છે


પૂરના કારણે રાજ્યમાં 27 જિલ્લામાં 577 રાહત શિબિરો બનાવવામાં આવી છે. હાલમાં 5,26,000 થી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ખોરાક અને અન્ય સહાય માટે વિતરણ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે. પૂરના કારણે 3,535 ગામો પાણીમાં ડૂબી ગયા છે. 68,768.5 હેક્ટર પાક વિસ્તાર પણ ડૂબી ગયો છે.


ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે


ASDMAએ વધુમાં જણાવ્યું હતું કે, '6 જૂલાઈના રોજ ચરાઈદેવ જિલ્લામાં બે લોકો પૂરના પાણીમાં ડૂબી ગયા હતા. ગોલપારામાં એક અને મોરીગાંવ, સોનિતપુર અને તિનસુકિયા જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. ધુબરી જિલ્લો પૂરને કારણે સૌથી વધુ પ્રભાવિત થયો છે. આ પછી કછાર અને દરાંગ છે. 29 જિલ્લાઓમાં 2.396 મિલિયન લોકો પ્રભાવિત થયા છે.


મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા ગુવાહાટીના જ્યોતિ નગરમાં અભિનાશ સરકારના શોકગ્રસ્ત માતા-પિતાને મળ્યા હતા. અભિનાશ પૂર દરમિયાન મંદિર પાસેની ગટરમાં પડી જતાં ગુમ થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ તેમના માતા-પિતા સાથે મુલાકાત કરી  અને સંવેદના વ્યક્ત કરી હતી.


હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ મુશળધાર વરસાદ થયો છે.  ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, બિહાર, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને દક્ષિણ ભારતીય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.