દિસપુર: આસામમાં પૂરનો પ્રકોપ છે. આસામમાં આ વર્ષે આવેલા પૂરના કારણે 30 જિલ્લાના 56 લાખ લોકો પ્રભાવિત થયા છે અને પૂર સાથે જોડાયેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત થયા છે.


કેંદ્રીય મંત્રી જિતેંદ્ર સિંહે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે વાત કરી અને રાજ્યમાં આવેલા પૂરના પ્રકોપ વિશે વિગતવાર ચર્ચા કરી સામાન્ય સ્થિતિને લઈને તેમને કેંદ્ર સરકાર તરફથી સંભવ દરેક મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ માટે કેંદ્રીય મંત્રીએ કહ્યું કે જે પણ મદદની આવશ્યક્તા હશે, પૂર્વોત્તર પરિષદને એ મદદ કરવામાં આવશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેંદ્રીય મંત્રીએ આસામના મુખ્યમંત્રીને વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે થયેલા નુકશાન માટે પોતાના મંત્રાલય તરફથી શક્ય હોય તે તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

જિતેંદ્ર સિંહે કહ્યું તેમનું મંત્રાલય સરકારની અન્ય એજન્સીઓ અને સ્ત્રોત પાસેથી આર્થિક અને અન્ય મદદ માટે સમન્વય પણ કરશે. તેમણે કહ્યું પૂર્વોત્તરના લોકોની ભલાઈ અને ચિંતા મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. તેમણે કહ્યું કેંદ્ર સરકાર આસામ, અરૂણાચલ પ્રદેશ અને પૂર્વોત્તરના અન્ય પૂરગ્રસ્ત રાજ્યો પર સતત નજર રાખી રહ્યું છે.

મંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પૂરની સ્થિતિ વિશે વ્યક્તિગત રીતે નિયમિત જાણકારી મેળવે છે. તેમણે કહ્યું પૂર્વોત્તર વિકાસ મંત્રી તરીકે તેઓ નિયમિત રીતે તે ક્ષેત્રના મુખ્યમંત્રીઓ અને સરકાર સાથે સંપર્કમાં છે.