આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ચિંતાજનક બની છે. પૂરના કારણે ચાર બાળકો સહિત વધુ આઠ લોકોના મોત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. બીજી તરફ અન્ય આઠ લોકો ગુમ છે. ચાર લોકો હોજાઈ જિલ્લામાંથી ગુમ છે જ્યારે અન્ય ચાર બજલી, કાર્બી આંગલોંગ વેસ્ટ, કોકરાઝાર અને તામુલપુર જિલ્લામાંથી ગુમ થયા છે.
બીજી તરફ રાજ્યના 32 જિલ્લાઓમાં લગભગ 31 લાખ લોકો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના પૂરના પાણી 4,291 ગામોમાં પ્રવેશ્યા છે અને 66455.82 હેક્ટરમાં પાક પાણીમાં ડૂબી ગયો છે.
બારપેટામાં જિલ્લા વહીવટીતંત્રના એક અધિકારીએ જણાવ્યું કે અહીંના ગ્રામીણો તેમના ઘરોમાં કિંમતી સામાન હોવાનું કહીને તેમના ઘર છોડવા તૈયાર ન હતા, પરંતુ અમે કોઈક રીતે તેમને તેમના ઘર ખાલી કરવા સમજાવવામાં સફળ થયા અને હવે અમે તેમને રાહત શિબિરોમાં લઈ જવા માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ.
આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે
અધિકારીએ કહ્યું કે પૂરથી પ્રભાવિત લોકો માટે ભોજન અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા પહેલાથી જ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.
માહિતી અનુસાર, રાજ્યના 21 જિલ્લામાં સ્થાપિત 514 રાહત શિબિરોમાં 1.56 લાખથી વધુ અસરગ્રસ્ત લોકોએ આશ્રય લીધો છે. નલબારીમાં પૂર પીડિતોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 3-4 દિવસથી પૂરના પાણીમાં ડૂબી રહ્યા છીએ અને અમારા ઘરો પણ ધોવાઈ ગયા છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી કોઈ અમારી મદદે આવ્યું નથી. અમને ખાવાનું આપવામાં આવતું નથી, હું છેલ્લા ચાર દિવસથી ભૂખ્યો છું.
રાહત કાર્યમાં સેનાની સાથે બચાવ ટુકડીઓ લાગી છે
બીજી તરફ, ભારતીય સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, આસામ પોલીસની ફાયર અને ઇમરજન્સી સેવાઓ સહિત અર્ધ-લશ્કરી દળોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. પૂરને કારણે સેંકડો ઘરોને અસર થઈ છે અને અનેક રસ્તાઓ, પુલો અને નહેરોને નુકસાન થયું છે