Agnipath Scheme Protest: સશસ્ત્ર દળોમાં ભરતી માટે તાજેતરમાં જાહેર કરાયેલ અગ્નિપથ યોજના સામે વિરોધને ધ્યાનમાં રાખીને રેલ્વેએ શનિવારે 369 ટ્રેનો રદ કરી દીધી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં 210 મેલ એક્સપ્રેસ (Mail Express) અને 159 પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે રેલ્વેએ બે મેલ એક્સપ્રેસને આંશિક રીતે રદ કરી છે. તેથી રદ કરાયેલી ટ્રેનોની કુલ સંખ્યા 371 છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં ચાર વર્ષ માટે સૈનિકોની ભરતી કરવાનો અને તેમાંથી 75 ટકાને તેમનો કાર્યકાળ પૂરો થયા પછી પેન્શન અને અન્ય સામાજિક સુરક્ષા લાભો વિના નિવૃત્ત કરવાનો પ્રસ્તાવ છે. દેશના વિવિધ ભાગોમાં યુવાનો દ્વારા આ યોજનાનો હિંસક વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દેખાવકારોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી
દેખાવકારોએ રસ્તાઓ અને રેલ્વે ટ્રેક બ્લોક કરી દીધા અને ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી. બિહારમાં શનિવારે આંદોલનના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. પટના જિલ્લાના મસૌરી સબ-ડિવિઝનમાં દેખાવકારોએ તારેગાના રેલ્વે સ્ટેશનને આગ લગાવી દીધી હતી. પૂર્વ મધ્ય રેલવેએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને જોતા રાજ્યમાં 32 ટ્રેનો રદ કરવામાં આવી છે.