નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ઓછી થઇ રહી છે. જો કે હજું પણ દેશમાં એવા અનેક રાજ્યો છે, જ્યાં નોંધાતા કેસમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજયોમાં કોરોનાની રફતાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન આસામના સાત જિલ્લામાં સંપૂર્ણ તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ન્યૂઝ એજ્ન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે આસામના સાત જિલ્લામાં આવતીકાલથી આગામી નોટિસ ન આપવામાં આવે ત્યાં સુધી લોકડાઉન રહેશે. કર્ફ્યૂનો કડક અમલ કરાવવામાં આવશે. રેસ્ટોરંટ, દુકાનો, ખાનગી અને સરકારી પરિવહન બંધ રહેશે. આ ઉપરાંત આવતીકાલથી ઈન્ટર સ્ટેટ મૂવમેંટ પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.


સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે આસામમાં કોરોનાના એક્ટિવ કેસ 23590 છે. જ્યારે 4,91,561 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. આસામમાં 4683 લોકોના કોરોનાથી મોત થયા છે.






દેશમાં કોરોના વાયરસની સ્થિતિ


દેશમાં સતત નવમા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34,703 નવા કેસ આવ્યા હતા. જે 1111 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. જ્યારે 51,864 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 553 સંક્રમિતોના મોત થયા હતા.    


 દેશમાં સતત 53મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 5 જુલાઈ સુધી દેશભરમાં 35 કરોડ 75 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 67 લાખ  87 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 42 કરોડ 2 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 15 લાખ 22 હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 6 લાખ 19 હજાર 932

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 97 લાખ 52 હજાર 294

  • કુલ એક્ટિવ કેસ - 4 લાખ 64 હજાર 357

  • કુલ મોત - 4 લાખ 3 હજાર 281