આસામ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલતો જૂનો સીમા વિવાદ હવે સમાપ્ત થવાના આરે છે. બંને રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંગે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સમજૂતી માટે સંમત થયા છે. નોંધનિય છે કે, મંગળવારે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમા, સાંસદ દિલીપ સેકિયા અને મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમા રાજધાની દિલ્હીમાં ગૃહમંત્રી શાહને મળ્યા હતા. આ દરમિયાન સરહદ વિવાદના ઉકેલ માટે સમજૂતી કરવામાં આવી હતી.


70 ટકા સરહદ આજે વિવાદ મુક્ત થઈ 


આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બંને રાજ્યો વચ્ચે 70 ટકા સરહદ આજે વિવાદ મુક્ત થઈ ગઈ છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીએ કહ્યું કે અમે આગળના વિવાદને વાતચીત દ્વારા જ ઉકેલીશું. આજે એક મોટું કામ કરવામાં આવ્યું છે. શાહે પીએમ મોદી અને ભારત સરકાર વતી બંને રાજ્યોના મુખ્યમંત્રી અને તેમની ટીમને ઘન્યવાદ કહ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ જોયેલું વિકસિત નોર્થ ઈસ્ટનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે. અમિત શાહે કહ્યું કે અત્યાર સુધીમાં 4 હજાર 800 થી વધુ હથિયારો કાનૂની સત્તા સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યા છે.


અમિત શાહે કહ્યું કે, આજનો દિવસ વિવાદ મુક્ત નોર્થ ઈસ્ટ માટે મહત્વપૂર્ણ દિવસ છે. પ્રધાનમંત્રી મોદીએ સતત નોર્થ ઈસ્ટના ગૌરવ માટે કામ કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, મે પીએમ સાથે નોર્થ ઈસ્ટ સરહદ વિવાદ અંગે વાત કરી હતી. સૌથી પહેલા 2019માં ત્રિપુરામાં હથિયાર બંધ ગ્રુપની વચ્ચે કરાર થયો હતો.


ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીના રોજ બ્રુ રીયાંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો લાભ 34 હજારથી વધુ લોકોને મળ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરી 2020ના રોજ ઐતિહાસિક બોડો સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમે આસામ મોડલને ખલેલ પહોંચાડ્યા વિના રાજ્યનું મૂળ સ્વરૂપ જાળવી રાખીને 50 વર્ષ જૂની સમસ્યાનો અંત આણ્યો હતો. શાહે વધુમાં કહ્યું કે આ પછી 2021માં કાર્બી અમલાંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે પણ એક સમજૂતી થઈ છે.