Congress Plenary Session: છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ અધિવેશનમાં સોનિયા ગાંધીના ભાષણ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ સોનિયાએ આ અટકળોને સદંતર નકારી કાઢી છે. તેઓએ કહ્યું કે મે ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ક્યારેય નિવૃત્ત થવાના નથી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાના સમાચારોને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું છે કે ન તો તે ક્યારેય નિવૃત્ત થયા હતા કે ના ક્યારેય થશે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ જાણકારી આપી છે.


અલકા લાંબાએ કહ્યું છે કે આ મુદ્દે તેમની સોનિયા ગાંધી સાથે વાત થઈ હતી. અલકાએ કહ્યું, 'મેં તેમને મેડમની નિવૃત્તિ સંબંધિત સમાચાર મીડિયામાં આવી રહ્યા હતા તે વિશે જણાવ્યું હતું આ સાંભળી તેઓ હસી પડ્યા અને કહ્યું કે મેં ક્યારેય નિવૃત્તિ લીધી નથી અને ભવિષ્યમાં પણ નહીં લઉં.'


ભાવનાત્મક ભાષણ બાદ અટકળો શરૂ થઈ ગઈ


રાયપુરમાં તેમના ભાવુક ભાષણ પછી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનિયા હવે રાજકારણમાંથી સંન્યાસ લઈ શકે છે. તેમનું નિવેદન આ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માટે જ આવ્યું છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોંગ્રેસનું 85મું અધિવેશન ચાલી રહ્યું છે.


સત્રમાં વીડિયો ચલાવવામાં આવ્યો હતો


રાયપુરમાં કાર્યક્રમ દરમિયાન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી ભાષણ આપતા ભાવુક થઈ ગયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની તેમની યાત્રાનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ તેમના સાથીદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીની સફર અને પાર્ટીમાં તેમના યોગદાનને દર્શાવતો વીડિયો પણ ચલાવવામાં આવ્યો હતો.


યાદ કરી મનમોહન સિંઘના નેતૃત્વમાં મળેલી જીત  


સોનિયા ગાંધીએ આ વીડિયો પછી ભાવુક સંબોધન કરતાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ અને યુપીએ શાસન દરમિયાન જે વાતો કહી હતી તેના માટે સૌનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે વર્ષ 1998માં કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી અત્યાર સુધીમાં 25 વર્ષમાં અમે મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને નિરાશાનો સમય પણ જોયો છે. સોનિયા ગાંધીએ મનમોહન સિંહના નેતૃત્વમાં 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં જીતને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.


પ્રવચનમાં ભારત જોડો યાત્રાના વખાણ કરવામાં આવ્યા હતા


ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે તેનાથી મને વ્યક્તિગત સંતોષ મળે છે, પરંતુ મારા માટે સૌથી વધુ સંતોષ એ છે કે મારી ઇનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે, જે એક મહત્વપૂર્ણ તબક્કામાં આવી ગઈ છે. સોનિયા ગાંધીએ પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના વખાણ કર્યા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા.


ખડગેના નેતૃત્વમાં સફળ થવાનો વિશ્વાસ


પોતાના સંબોધન દરમિયાન સોનિયા ગાંધીએ રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ મુશ્કેલ સફર શક્ય બનાવી છે. તેમણે કાર્યકરોને કોંગ્રેસની તાકાત જણાવતા કહ્યું કે પાર્ટી દેશના હિત માટે લડશે. સોનિયા ગાંધીએ અંગત હિતોને બાજુ પર રાખીને અનુશાસન સાથે કામ કરવાનો મંત્ર આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં અમે ચોક્કસપણે સફળ થઈશું.