Atiq Letter to Supreme Court : માફિયામાંથી રાજનેતા બનેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત અતીક અહેમદ અને અશરફ અહેમદની બે દિવસ પહેલા જ મેડિકલ ચેકઅપ માટે લઈ જતી વખતે ત્રણ યુવાનો દ્વારા ગોળીઓ મારીની હત્યા નિપજાવવામાં આવી છે. આ સાથે જ અતીક હવે અતિત બની ગયો છે. પરંતુ મરતા પહેલા અતીક દ્વારા લખવામાં આવેલી એક ચિઠ્ઠીએ ચારેકોર ચર્ચા જગાવી છે. અતીક અહેમદે મરતા પહેલા સુપ્રીમ કોર્ટના નામે એક ચિઠ્ઠી લખી હતી જેને લઈને તેના વકીલે ખુલાસો કર્યો છે. વકીલ વિજય મિશ્રાએ ફરાર ચાલી રહેલી અતીકની પત્ની શાઈસ્તાને લઈને પણ ખુલાસો કર્યો હતો.
અતીક અહેમદ અને અશરફ અહેમદના વકીલ વિજય મિશ્રા હુમલામાં માર્યા ગયેલા ગેંગસ્ટર ભાઈઓએ લખેલો પત્ર સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પત્રમાં અતીકે તેની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પત્રમાં અતીકે વિવિધ ક્ષેત્રની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓના નામ પણ લખ્યા છે જેમણે અતીક વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે અથવા તેના ગુનાઓમાં તેને સમર્થન આપ્યું છે. જાણીતી સમાચાર ચેનલના હાથે આતિકનો એ પત્ર લાગ્યો છે. આ પત્રમાં શું છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચેનલે ચોક્કસપણે પત્રના નાનાકડા ભાગનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
અતીકના પત્રની એક ઝલક
ટાઈમ્સ નાઉ નવભારત પર દેખાડવામાં આવેલા સ્ક્રીનશોટમાં અતીક અહેમદ દ્વારા સુપ્રીમ કોર્ટને સંબોધવામાં આવેલી કેટલીક બાબતો છે. હસ્તલિખિત પત્રમાં લખ્યું હતું કે, પ્રતિ, ભારતની માનનીય સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી.' ત્યાર બાદ શું વિષય છે અને વિગતો શું છે, ચેનલે હજુ સુધી તેને સાર્વજનિક કર્યું નથી. અતીકે આ પત્ર પૂર્વ સાંસદ તરીકે સુપ્રીમ કોર્ટને લખ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'અતીક અહેમદ, પૂર્વ સાંસદ.' તેની નીચે ઓફિસનું સરનામું અને કેટલાક ફોન નંબર આપવામાં આવ્યા છે.
આ મામલે અતીક અહેમદના વકીલે કહ્યું હતું કે, જ્યારે હું બરેલી જેલમાં અશરફને મળ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, મને મારી નાખવામાં આવશે અને તેનું નામ સીલબંધ પરબિડીયામાં લખીશ. બંધ પરબિડીયામાં નામ સાથેનો પત્ર ચીફ જસ્ટિસને મોકલવામાં આવશે.
વકીલે અતીક અહેમદની ફરાર પત્ની શાઇસ્તા પરવીનને લઈને પણ ખુલાસો કર્યો હતો. લલિત મિશ્રાએ કહ્યું હતું કે, નવ-દસ દિવસ પહેલા શાઈસ્તાએ મારો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેણે કહ્યું હતું કે, તે આત્મસમર્પણ કરવા માંગે છે. આ સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, અમે પોલીસ કસ્ટડીમાં હત્યા અને સુરક્ષામાં બેદરકારીના મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈશું.
શનિવારે મોડી રાત્રે અતીક-અશરફની હત્યા કરવામાં આવી હતી
ધ્યાનમાં રાખો કે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને સુરક્ષા કોર્ડનમાં જ ત્રણ હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પ્રયાગરાજમાં કોલવિન હોટલની બહાર મીડિયાના કેમેરાની સામે થયેલી બેવડી હત્યાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અને ત્યાંના પોલીસ-પ્રશાસન પર સવાલો ઉઠાવી રહ્યો છે. બીજી તરફ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટનાની રાત્રે જ આ મામલે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. હાલમાં ત્રણેય હુમલાખોરોની પૃષ્ઠભૂમિ અને હત્યા પાછળનો તેમનો ઈરાદો જેવા મહત્વના સવાલો પર ચર્ચાએ જોર પકડ્યું છે.