નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે લોકો સાથે સંવાદ કર્યો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં આ કાર્યક્રમમાં  હાજર રહ્યા  હતા. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે દેશ કીર્તિમાન હાંસલ કરી રહ્યો હતો ત્યારે વિપક્ષ સંસદને ઠપ્પ કરી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર નહી પરિશ્રમથી નક્કી થાય છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીથી જે અનાજ મોકલવામાં આવે છે તેનો એક-એક દાણો ગરીબોને મળે છે. અગાઉની સરકારોમાં અનાજની લૂંટ થતી હતી પરંતુ હવે એવું થઇ રહ્યું નથી. વડાપ્રધાને કહ્યું કે, ઓગસ્ટ મહિનાની શરૂઆત સિદ્ધિઓને લઇને આવી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઇતિહાસ ઓગસ્ટની તારીખ વર્ષો સુધી યાદ રાખશે. 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી. છેલ્લા વર્ષે રામ મંદિરનું નિર્માણની શરૂઆત પણ આ દિવસે થઇ હતી અને આ વર્ષે હોકીમાં ભારતીય ટીમે દાયકાઓ બાદ મેડલ જીત્યો છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના યુવાઓ રમતગમતમાં ગોલ પર ગોલ કરી રહ્યા છે પરંતુ કેટલાક રાજકીય  લોકો સેલ્ફ ગોલ કરવામાં લાગ્યા છે. દેશની સંસદમાં પક્ષ સતત હંગામો કરી રહ્યા છે અને દેશની જનભાવનાઓનું અપમાન કરી રહ્યા છે. વિપક્ષો ફક્ત દેશહિતનું કામ રોકવામાં લાગ્યા છે. દેશની જનતા આને ભૂલશે નહીં. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશને અનેક સિદ્દિઓ હાંસલ કરી છે. ઓલિમ્પિકમાં દેશના ખેલાડી સારું પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે કોરોના વેક્સિનેશનનો આંકડો 50 કરોડ સુધી પહોંચી રહ્યો છે. જીએસટી કલેક્શન વધ્યું છે અને એક્સપોર્ટમાં પણ દેશે રેકોર્ડ બનાવ્યો છે. દેશના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા વિમાનવાહન જહાજ આઇએનએસ વિક્રાંતે પોતાનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન વારાણસીની એક લાભાર્થી સાથે  વાત કરી. વડાપ્રધાન મોદીએ સવાલ કર્યો  હતો કે શું તેમના પરિવારને  બધુ રાશન મળી રહ્યું છે. જેના પર જવાબ આપવામાં આવ્યો હતો કે તેમને મહિનામાં 35 કિલો અનાજ મળ્યું છે.