નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચિન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં આઠ સૈનિક ફસાયા છે. એક રિપોર્ટ અનુસાર, આ ક્ષેત્રમાં સોમવારે બપોરે હિમસ્ખલન થયુ હતું જેમાં પેટ્રોલિંગ ટીમના આઠ જવાનો ફસાયા હતા. જવાનોને બચાવવા માટે સૈનિકોએ તરત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. 18000 ફૂટની ઉંચાઇ પર થયેલા આ દુર્ઘટનામાં ફસાયેલા જવાનોની અત્યાર સુધી કોઇ ખબર મળી શકી નહીં.


સૈન્યના સૂત્રોના મતે સોમવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે સિયાચિનમાં થયેલા એક ભીષણ હિમસ્ખલન બાદ ભારતીય સૈન્યના આઠ જવાનો બરફમાં ફસાઇ ગયા હતા. આ હિમસ્ખલનની સૂચના મળ્યા બાદ સૈન્યએ પોતાના જવાનોની શોધમાં એક મોટું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે કારકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત સિયાચિન ગ્લેશિયર વિશ્વમાં સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે જ્યાં સૈનિકોને ફ્રોસ્ટબાઇટ અને ઝડપી હવાઓનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર પર  ઠંડી દરમિયાન હિમસ્ખલનની ઘટનાઓ સામાન્ય છે. સાથે અહી તાપમાન શૂન્યથી માઇનસ 60 ડિગ્રી જતું રહે છે. અગાઉ અનેકવાર સિયાચિનમાં થયેલી હિમસ્ખલનના કારણે જવાનોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.