અયોધ્યાંમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખરીદી કરવામાં આવેલી જમીન પર સવાલ ઉઠવા લાગ્યા છે. જમીનની ખરીદીમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. અયોધ્યાના પૂર્વ ધારાસભ્ય અને સમાજવાદી સરકારમાં રાજ્ય મંત્રી રહેલા તેજ નારાયણ પાંડે ઉર્ફે પવન પાંડેએ એક પ્રોસ કોન્ફરન્સ કરીને સવાલ ઉઠાવ્યા છે. આ સિવાય આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ જમીન ખરીદવામાં કથિત રીતે મોટા કૌભાંડ થયા હોવાનો આરોપ લગાવ્યો છે.


સંજય સિંહનો દાવો છે કે અયોધ્યાના તલાટીના બીજેસી ગામમાં પાંચ કરોડ 80 લાખની જમીન સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારીએ કુસુમ પાઠક પાસેથી બે કરોડ રૂપિયામાં ખરીદી. આ જમીન સાંજે સાતને 10 મિનિટે ખરીદવામાં આવી અને તેની પાંચ જ મિનિટમાં તે જ જમીન ચંપત રાયે સુલતાન અન્સારી અને રવિ મોહન પાસેથી સાડા 18 કરોડ રૂપિયામાં ખરીદી. સંજય સિંહનો દાવો છે કે આ જમીનનો ભાવ પ્રતિ સેકન્ડ પાંચ લાખ રૂપિયા વધ્યો.


સંજય સિંહે કહ્યું કે આ જમીન ખરીદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને હું પ્રધામંત્રી મોદી અને સરકાર પાસે માંગ કરું છું કે તાત્કાલિક ED અને સીબીઆઇ તપાસની માંગ કરું છું.


સમાજવાદીના પવન પાંડેએ કહ્યું કે પાંચ મિનિટની અંદર જ 2 કરોડની જમીન 18 કરોડની કઇ રીતે થઇ? રામ મંદિરના નામે જમીન ખરીદી કરવાના બહાને રામ ભક્તોને છેતરવામાં આવી રહ્યા છે. પવન પાંડે આ અંગે સીબીઆઇ તપાસની માંગ કરી છે. પવન પાંડેએ કહ્યું કે 17 કરોડનું RTGS કરવામાં આવ્યું છે. ક્યા ક્યા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવામાં આવ્યું છે તેની પણ તપાસ થવી જોઇએ.


કોંગ્રેસે શું કહ્યું


કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે, “હે રામ, આ કેવા દિવસો....તમારા નામે દાન લઈને કૌભાંડો થઈ રહ્યા છે. બેશરમ લુટારું હવે આસ્થા વેચી ‘રાવણ’ની જેમ અભિમાનમાં મદમસ્ત છે. સવાલ છે કે બે કરોડમાં ખરીદાયેલ જમીન 10 મિનિટ બાદ ‘રામ જન્મભૂમિ’ને 18.50 કરોડમાં કેવી રીતે વેચી ? હવે તો લાગે છે.....કંસોં કા હી રાજ હૈ, રાવણ હૈં ચહું ઔર! "