દિલ્લીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત આવી રહ્યા છે. સવારે 10 વાગ્યે અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચશે. તેઓ પહેલાં સર્કિટ હાઉસ જશે. ત્યારબાદ શહેરના આશ્રમ રોડ પર બનેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને પત્રકાર ઈસુદાન ગઢવી સહિત કેટલાક મોટા ચહેરા આપમાં જોડાય તેવી શક્યતા છે.


જો કે ગુજરાત આવતા પહેલા અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપ્યું નવું સૂત્ર..'હવે બદલાશે ગુજરાત'. ટ્વીટમાં એ પણ લખ્યું, ‘આવી રહ્યો છું ગુજરાત, ગુજરાતના બધા ભાઈ-બહેનોને મળીશ’. કેજરીવાલ આપના કાર્યાલયનું ઉદ્ધાટન કરી પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જીત મેળવનાર લોકોને પણ મળશે.


ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.  ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે.


અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને માર્ગદર્શન પણ આપશે. કેજરીવાલની આ ગુજરાતની મુલાકાતને પણ સૂચક માનવામાં આવી રહી છે.


ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી રાજનીતિ નવા-નવા રંગ દેખાડી રહી છે. સૌ પ્રથમ પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક યોજાઈ હતી. જેના પર પણ સૌ કોઈ નજર તાકીને બેઠું હતું. અને બેઠક બાદ નરેશ પટેલના નિવેદનથી એક મોટી ચર્ચાઓ શરૂ પણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીની ચર્ચાઓ ચાલી રહી હતી. તે દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર હતી.


ગાંધીનગરમાં ભૂપેન્દ્ર યાદવ ભાજપના મંત્રી કક્ષાના નેતાઓ સાથે વન-ટુ વન બેઠક યોજી રહ્યા હતા. 2022ની ચૂંટણી પહેલા વન ટુ વન બેઠકનું તારણ રાજનીતિમાં લોકો પોત પોતાની રીતે લગાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે અચાનક ભૂપેન્દ્ર યાદવને દિલ્હીનું તેડું પણ આવી ગયું હતું. ભૂપેન્દ્ર યાદવ દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. જેને લઈ હવે ત્રીજા પક્ષની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.