નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર સંકુલમાં ગર્ભગૃહની જમીન હિંદુઓની હોવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે. સીજેઆઈ ગોગોઈએ કહ્યું, હિન્દુ-મુસ્લિમ વિવાદિત સ્થાનને જન્મભૂમિ માને છે પરંતુ આસ્થાથી માલિકી હક નક્કી ન કરી શકાય. પીઠે કહ્યું, તોડી પાડવામાં આવેલું માળખું જ રામનું જન્મસ્થાન છે, હિન્દુઓની આ આસ્થા નિર્વિવાદિત છે. પીઠે કહ્યું છે કે, મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર વૈકલ્પિક જમીન ફાળવવામાં આવશે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ દિવ્ય ફેંસલો ગણાવ્યો હતો. જેન લઈ તેમણે અનેક ટ્વિટ કર્યા છે. આ અવસર પર વિહિપના દિગ્ગજ નેતા સ્વ. અશોક સિંઘલ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ઉમા ભારતીએ ટ્વિટમાં લખ્યું, સુપ્રીમ કોર્ટના દિવ્ય ફેંસલાનું સ્વાગત. અશોક સિંઘલનું સ્મરણ કરતા લખ્યું તેમને શત શત નમન. આ લોકોએ કાર્ય માટે જીવનની આહુતિ આપી હતી. અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું, લાલકૃષ્ણ અડવાણીને અભિનંદન. તેમના નેતૃત્વમાં અમે બધાએ આ મહાન કાર્ય માટે અમારું સર્વસ્વ દાવ પર લગાવી દીધું હતું.