Ayodhya Ram Mandir: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મંદિરનું નિર્માણ કાર્ય પણ ઝડપથી ચાલી રહ્યું છે. સમયાંતરે રામ મંદિરની તસવીરો પણ સામે આવી રહી છે. હવે કરોડો લોકોની ઈંતેજારીનો અંત આવવા જઈ રહ્યો છે. સામે આવેલા અહેવાન પ્રમાણે, જાન્યુઆરી 2024 સુધીમાં રામ મંદિરનું ભોંયતળિયું તૈયાર થઈ જશે અને 2024માં મકરસંક્રાંતિ બાદ રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. રામલલાના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ અંગે પીએમ મોદીને આમંત્રણ મોકલશે.
માનવામાં આવી રહ્યું છે કે, પીએમ મોદીની હાજરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. મળતી માહિતી મુજબ 14 થી 26 જાન્યુઆરી 2024 વચ્ચે કોઈપણ દિવસે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ શકે છે. આ સાથે જ સદીઓથી ભક્તોની રાહનો અંત આવશે.
બે વધારાની મૂર્તિઓનો આ રીતે કરવામાં આવશે ઉપયોગ
બીજી તરફ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિર પરિસરમાં જ વધુ સારી જગ્યાએ રામલલાની બે વધારાની મૂર્તિઓનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી તેમની પવિત્રતા જળવાઈ રહે. અયોધ્યામાં કોતરવામાં આવેલી રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી માત્ર શ્રેષ્ઠ મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની બાકીની બે મૂર્તિઓ સ્થાપિત કરવા માટે સ્થળ નક્કી કરવા માટે વિવિધ પૂજારીઓની સલાહ લઈ રહ્યું છે. ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું હતું કે, રામલલાની બાકીની બે મૂર્તિઓને મંદિરની બહાર મોકલવામાં આવશે નહીં. તેમને મંદિર પરિસરમાં વધુ સારી જગ્યાએ સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરવામાં આવશે.
ટ્રસ્ટના સભ્યના જણાવ્યા અનુસાર મંદિરના પહેલા અને બીજા માળે એક-એક મૂર્તિ સ્થાપિત કરી શકાય છે. સભ્યએ કહ્યું હતું કે, રામ મંદિરનો પહેલો અને બીજો માળ પણ એટલો જ ભવ્ય હશે. રામલલાની બાકીની બે મૂર્તિઓ માટે તેઓ યોગ્ય સ્થાન બની શકે છે.
આ તારીખે થશે રામલલાનો અભિષેક
અત્યાર સુધીના બાંધકામની વાત કરીએ તો રામ મંદિરમાં રામલલાના ગર્ભગૃહના ઉપરના ભાગમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઓક્ટોબર 2023 સુધીમાં રામ મંદિરનો પહેલો માળ તૈયાર થઈ જશે અને 24 જાન્યુઆરી, 2024ના રોજ રામલલાનો અભિષેક થશે. આ કાર્યક્રમ લગભગ સાત દિવસ ચાલશે. જે બાદ રામ ભક્તો રામલલાના દર્શન કરવા મંદિરમાં આવી શકશે. હવે રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ તરફથી પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જે અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી, જોકે તેનો જવાબ ગમે ત્યારે આવી શકે છે.