Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછીની પ્રથમ સવારે ભક્તો શ્રીરામ મંદિરના મુખ્ય દ્વાર પર સવારે 3 વાગ્યાથી શ્રી રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા. આજથી રામલલા ભક્તોને દર્શન આપશે. આજથી રામ મંદિરના દરવાજા તમામ ભક્તો માટે ખુલશે. ભક્તો ગર્ભગૃહમાં બેઠેલી મૂર્તિની સાથે નવી મૂર્તિના પણ દર્શન કરી શકશે. જો ભીડ વધશે તો રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દર્શનનો સમયગાળો લંબાવશે.










અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન 20 જાન્યુઆરીની સવારથી બંધ કરી દેવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવાના હેતુથી ટ્રસ્ટે આ નિર્ણય લીધો હતો. દરમિયાન રવિવારે રાત્રે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાની મૂર્તિ નવા મંદિરમાં સ્થાપિત કરવા માટે પૂજારીઓને સોંપી હતી. નવી મૂર્તિની સ્થાપના બાદ મંગળવારથી તમામ ભક્તો રામ મંદિરમાં બંને મૂર્તિઓના દર્શન કરી શકશે.


સવારે સાત વાગ્યાથી દર્શન શરૂ થશે અને સાડા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આ પછી બપોરે 2 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. ભક્તોની ભીડ વધશે તો દર્શનનો સમયગાળો લંબાવવામાં આવશે. દરમિયાન સોમવારે પણ સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શક્યા ન હતા.


હવે રામલલાની 24 કલાકમાં અષ્ટયામ સેવા કરાશે. આ ઉપરાંત છ વખત રામલલાની આરતી કરવામાં આવશે. આરતીમાં હાજરી આપવા માટે પાસ આપવામાં આવશે. અત્યાર સુધી રામલલા વિરાજમાનની બે આરતીઓ હતી. રામલલાના પૂજારીઓના પ્રશિક્ષક આચાર્ય મિથિલેશનંદિની શરણે કહ્યું કે, હવે મંગળા, શ્રૃંગાર, ભોગ, ઉત્થાપન, સંધ્યા અને રામલલાની શયન આરતી થશે.