Acharya Satyendra Das: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું બુધવાર, 12 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. હોસ્પિટલે આ અંગે માહિતી આપી હતી. બ્રેઇન હેમરેજ થયા બાદ તેમની લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસજીએ આજે અંતિમ શ્વાસ લીધા હતા. 3 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેમને ગંભીર હાલતમાં ન્યૂરોલોજી વોર્ડના HDUમાં દાખલ કરવામાં આવ્યા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે 85 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસ 3 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય પ્રદીપ દાસે જણાવ્યું કે લાંબી બીમારી બાદ તેમનું લખનઉના પીજીઆઈમાં સવારે 8 વાગ્યે નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને પીજીઆઈથી અયોધ્યા લાવવામાં આવી રહ્યો છે. તેમના શિષ્યો તેમના પાર્થિવ દેહને લઇને અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. અંતિમ સંસ્કાર આવતીકાલે (13 ફેબ્રુઆરી) અયોધ્યામાં સરયુ નદીના કિનારે થશે. તાજેતરમાં પીજીઆઈએ એક હેલ્થ બુલેટિન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્યેન્દ્ર દાસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે.
SGPGI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'સત્યેન્દ્ર દાસજીને સ્ટ્રોક આવ્યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા અને હાલમાં ન્યૂરોલોજી આઈસીયુમાં દાખલ હતા. પીજીઆઈ વહીવટીતંત્રના અધિકારી પીઆરઓએ જણાવ્યું હતું કે તેમણે સવારે પીજીઆઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આચાર્ય સત્યેન્દ્ર દાસના નિધન પર સીએમ યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા સાઇટ X પર લખ્યું- પરમ રામભક્ત, શ્રી રામ જન્મભૂમિ મંદિર, શ્રી અયોધ્યા ધામના મુખ્ય પૂજારી આચાર્ય શ્રી સત્યેન્દ્ર કુમાર દાસજી મહારાજનું નિધન અત્યંત દુઃખદ છે અને સામાજિક અને આધ્યાત્મિક જગત માટે એક અપૂરણીય ક્ષતિ છે. તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ! હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત શિષ્યો અને અનુયાયીઓને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!