નવી દિલ્હીઃ મહામારીના સમયમાં બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા અને તેમનો ખ્યાલ રાખવા આયુષ મંત્રાલયે હોમકેર ગાઇડલાઇન જાહેર કરી છે. મંત્રાલયે ગાઇડલાઇનમાં આયુર્વેદિક અને પ્રાકૃતિક સારવારની સાથે માસ્ક પહેરવા, યોગ કરવા, બીમારીના પાંચ લક્ષણો ઓળખીને તેના પર નજર રાખવા, ડોક્ટરો સાથે ટેલી કંસલ્ટેશનની સલાહ સાથે માતા-પિતાના રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.


આયુષ મંત્રાલયની ગાઈડલાઈનમાં શું કહેવામાં આવ્યું છે



  • ગાઈડલાઈન મુજબ બાળકોમાં પુખ્તો કરતાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. આ મામલામાં ખાસ સારવારની જરૂર નથી હોતી. પરંતુ ખાનગી પ્રિવેંટિવ ટ્રીટમેન્ટ કરાવીને બાળકોને ખતરનાક વાયરસથી સુરક્ષિત કરી શકાય છે.

  • આયુષ મંત્રાલયે તેની ભલામણોમાં કહ્યું છે કે, 5 થી 18 વર્ષના બાળકો માટે માસ્ક જરૂરી છે. જ્યારે 2 થી 5 વર્ષના બાળકોને ઈચ્છા હોય તો જ માસ્ક પહેરાવો. જો આ વયના બાળકોને માસ્ક પહેરાવો તો માતા-પિતા ખાસ ધ્યાન રાખે. કોટનનું માસ્ક બાળકો માટે ઉત્તમ રહેશે.

  • બાળકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું જોઈએ અને તેમને યાત્રા કરવાથી શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. બાળકો વીડિયો અને ફોન કોલ દ્વારા મિત્રો અને સંબંધીઓ સાથે જોડાઈ શકે તે વાતનું ધ્યાનમાં રાખવી જોઈએ.

  • બાળકોમાં પાંચ વિશેષ લક્ષણોની ઓળખ કરીને તેના પર નજર રાખવી જોઈએ. જેમાં ચાર-પાંચ દિવસથી વધારે તાવ આવે, બાળકો જમવાનું ઓછું કરી દે, શ્વાસ લેવામાં તકલીફ પડે, ઓક્સીજન લેવલ 95થી નીચે આવે અને બાળકને સુસ્તી લાગે જેવા કોઈ પણ એક લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો.

  • ગાઈડલાઈનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે બાળકોને હૂંફાળુ પાણી આપવું જોઈએ. સવાર અને રાતે બે વર્ષથી મોટી ઉંમરના બાળકોને બ્રશ કરાવવું જોઈએ. પાંચ વર્ષથી મોટા બાળકોને તેલ માલિશ અને ગરમ પાણીના કોગળા કરાવવા જોઈએ. તેલ મસાજ, નાકમાં તેલના ટીપા નાંખવા, પ્રાણાયામ, મેડિટેશન તથા અન્ય શારીરિક અભ્યાસ માટે 5 વર્ષથી મોટા બાળકોની ક્ષમતા જોઈને પ્રોત્સાહિત કરવા જોઈએ.

  • ઈમ્યુનિટી વધારવા બાળકોને હળદરવાળું દૂધ અને પ્રાકૃતિક જડીબુટ્ટીનો ઉકાળો આપવો જોઈએ.  કોવિડ સંક્રમણના લક્ષણોવાળા બાળકોને આયુર્વેદિક દવાઓ નિષ્ણાંતની દેખરેખમાં આપવી જોઈએ.

  • બાળકોએ પૂરતી ઉંઘ લેવી જોઈએ અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો જોઈએ. ગાઈડલાઈનમાં બાળકોના રમવાના સ્થાન, પલંગ, કપડાં અને રમકડાં રોજ સેનિટાઇઝ કરવાની ભલામણ કરવામાં આવી છે.