નવી દિલ્હી: યોગ ગુરુ રામદેવે આજે કોરોના વાયરસની દવા લોન્ચ કરી દીધી છે. દવાના લોન્ચિંગ દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિ ગડકરી પણ હાજર રહ્યા હતા. રામદેવે કહ્યું કે. પતંજલિની કોરોનિલ ટેબ્લેટથી હવે કોવિડનો ઇલાજ થશે. તેમણે દાવો કર્યો હતો કે આયુષ મંત્રાલયે કારોનિલ ટેબ્લેટને કોરોના દવા તરીકે માન્યતા આપી છે. આ સિવાય તેમણે પતંજલિની આ દવાના સંશોધનપત્રો પણ જાહેર કર્યા હતા.


બાબા રામદેવે કહ્યું, 'જ્યારે અમે કોરોનિલ દ્વારા લાખો લોકોને જીવન આપવાનું કામ કર્યું, ત્યારે ઘણા લોકોએ સવાલો ઉભા કર્યા. કેટલાક લોકોને લાગે છે કે સંશોધન કાર્ય ફક્ત વિદેશમાં જ થઈ શકે છે. આયુર્વેદ પર સંશોધન ખૂબ શંકા કરવામાં આવે છે. પતંજલિની દવા કોરોનિલ પર જે પણ શક કરવામાં આવી રહ્યો હતો, તે શંકાના વાદળો હવે દૂર થઈ ગયા છે.



કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષ વર્ધને કહ્યું કે, આયુર્વેદની પ્રામાણિકતા અને બાબા રામદેવ અંગે કોઈ શંકા ન હોવી જોઈએ. બાબા રામદેવનું સ્વપ્ન જ ભારત સરકારનું સ્વપ્ન છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પતંજલિ આયુર્વેદે 23 જૂન 2020 ના રોજ કોરોનિલ ટેબ્લેટ અને સ્વાસરી વટી દવા શરૂ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ દવા સાત દિવસની અંદર કોરોનાના દર્દીને સાજા કરી શકે છે. જો કે, દવા લોન્ચ થતાંની સાથે જ આયુષ મંત્રાલયે કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી નથી. તેના બાદ મંત્રાલયે પણ પતંજલિની આ દવાની જાહેરાત પર પણ રોક લગાવી દીધી હતી.