Baba Siddique Shot Dead: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રા ઈસ્ટ વિસ્તારમાં ત્રણ લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. સિદ્દીકી પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમને ચાર ગોળી લાગી હતી જેમાંથી એક છાતીમાં લાગી હતી. જો કે સિદ્દીકીની હત્યા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. બાબા સિદ્દીકી મૂળ બિહારના હતા. કહેવાય છે કે બાબા સિદ્દીકીના પિતા લગભગ 50 વર્ષ પહેલા ગોપાલગંજથી મુંબઈ આવી ગયા હતા. સિદ્દીકીનો જન્મ પણ બિહારની રાજધાની પટનામાં થયો હતો.


બાબા સિદ્દીકીનો પરિવાર બિહારના ગોપાલગંજમાં માઝા બ્લોકના શેખ ટોલી ગામમાં રહે છે. બાબા સિદ્દીકીનું પૂરું નામ બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકી હતું. બાબા સિદ્દીકી તેમની રાજકીય કુશળતા તેમજ ભવ્ય પાર્ટીઓનું આયોજન કરવા માટે જાણીતા હતા. સિદ્દીકી દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેનો વિવાદ ઉકેલાયો હતો. મુંબઈમાં બાબા સિદ્દીકી ભવ્ય ઈફતાર પાર્ટીનું આયોજન કરતા હતા જેમાં રાજકીય જગતથી લઈ સિનેમા જગતની મોટી હસ્તીઓ સામેલ થતી હતી. 





બાબા સિદ્દીકીની રાજનીતિમાં સફર કેવી રહી ?


બાબા સિદ્દીકી 1999, 2004 અને 2009માં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 2004 અને 2008 વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા, શ્રમ અને FDA રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. બાબા સિદ્દીકી લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. ગત ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને NCPના અજિત પવાર જૂથમાં જોડાયા હતા. તેમના પુત્ર જીશાન સિદ્દીકીને ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી હટાવવામાં આવ્યા હતા.



1988માં મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા 


બાબા સિદ્દીકી 1977માં કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્દીકી ત્યારબાદ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના સભ્ય બન્યા. તેમણે વિદ્યાર્થીઓના અનેક આંદોલનોમાં ભાગ લીધો હતો. સિદ્દીકી 1980માં બાંદ્રા યુથ કોંગ્રેસના મહાસચિવ બન્યા હતા. બાદમાં પ્રમુખ બન્યા. 1988માં તેઓ મુંબઈ યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. 1992 માં, તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે ચૂંટાયા અને આ પદ પર સતત બે ટર્મ પૂર્ણ કરી.