પાર્ટી માટે ઝાડું લગાવવા પણ તૈયાર છુઃ બાબુલાલ
અમિત શાહે બાબુલાલ મરાંડીને ફૂલહાર પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ હતું. ભાજપમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું, મને પદની લાલચ નથી અને હું પાર્ટી માટે ઝાડું લગાવવા પણ તૈયાર છું. ઝારખંડ વિકાસ મોર્ચાના ભાજપમાં વિલય બાદ કેન્દ્રીય નેતૃત્વ તેમને વિધાનસભામાં નેતા વિપક્ષ પણ બનાવી શકે છે.
2006માં ભાજપથી અલગ થઈ બનાવી નવી પાર્ટી
2006માં ભાજપથી અલગ થઈ તેમણે નવી પાર્ટી બનાવી હતી. જોકે આ પક્ષ ખાસ દેખાવ કરી શક્યો નહોતો અને સતત હાર થતી હતી. 2009, 2014 અને 2019ની ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ વિકાસ મોર્ચાને 11, 8 અને 3 સીટ જ મળી હતી. જેના કારણે તેમણે ફરી ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો.
14 વર્ષ સુધી ક્યાંય નહોતો ગયો પરંતુ.....
ભાજપમાં સામેલ થયા બાદ બાબુલાલ મરાંડીએ સંબોધન કરતા જણાવ્યું, 14 વર્ષ સુધી ક્યાંય નહોતો ગયો પરંતુ મારા પોતાનાથી છૂટો પડી ગયો હોય તેમ લાગતું હતું. ભાજપમાં આવીને મારી સફર નવા મુકામ પર પહોંચી છે. પહેલા પણ મને પાર્ટીમાં પદની અપેક્ષા નહોતી અને હાલ પણ નથી. મારી ઈચ્છા મેં બીજેપી ઉપાધ્યક્ષ ઓમ માથુરને જણાવી દીધી છે.
ઝારખંડમાં ભાજપને મળ્યો આદિવાસી ચહેરો
બાબુલાલ મરાંડી ઝારખંડના પ્રથમ મુખ્યમંત્રી હતા. તેમની 14 વર્ષ બાદ ઘરવાપસીથી ઝારખંડમાં રાજકીય હલચલ તેજ બની શકે છે. રાજ્યમાં આદિવાસી ચેહરાની શોધ કરી રહેલી ભાજપને બાબુલાલ મરાંડીના રૂપમાં ફરી આવા નેતા મળી ગયા છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારનું એક કારણ તેમની પાસે આદિવાસી ચહેરો ન હોવાનું પણ હતું.