જમ્મુ-કાશ્મીર : જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 2 જવાનોના મોત થયા હતા, જ્યારે 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, 'સૈનિકોને લઈને જઈ રહેલી સેનાની ટ્રકને બાંદીપોરાના સદર કૂટ પાઈન વિસ્તાર પાસે અકસ્માત નડ્યો હતો.  ડ્રાઈવરે વળાંક પર કાબૂ ગુમાવ્યો હતો. ટ્રક પહાડી પરથી નીચે પટકાઈ હતી. 






આ ઘટનામાં 2 જવાન શહીદ થયા અને 5 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.


આ પહેલા પણ થયો હતો અકસ્માત


આ પહેલા પણ 24 ડિસેમ્બર, 2024ના રોજ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. પુંછ સેક્ટરમાં ઓપરેશનલ ડ્યુટી દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ જવાનો શહીદ થયા હતા.


વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું


આ વાહનમાં 8 જવાન હતા જેઓ ઘાયલ થયા હતા. નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલા 11 MLIનું લશ્કરી વાહન ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બન્યું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું. માહિતી મળતાની સાથે જ 11 MLI ની ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.      


રાજૌરી જિલ્લામાં પણ અકસ્માત થયો હતો


4 નવેમ્બર, 2024ના રોજ, રાજૌરી જિલ્લામાં એક વાહન રસ્તા પરથી ખાડામાં પડી જવાથી સેનાના એક જવાન શહીદ થયા હતા અને અન્ય એક ઘાયલ થયા હતા. 2 નવેમ્બર, 2024 ના રોજ, રિયાસી જિલ્લામાં એક કાર પહાડી માર્ગ પરથી  ઊંડી ખીણમાં પડી જવાથી એક મહિલા અને તેના 10 મહિનાના પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.