Bangladesh PM Sheikh Hasina Dance: બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના ભારતના ચાર દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન આજે ગુરુવારે પીએમ શેખ હસીના (PM Sheikh Hasina) રાજસ્થાનની રાજધાની જયપુર (Jaipur) પહોંચ્યાં હતાં. પીએમ શેખ હસીના વિશેષ વિમાનથી જયપુર પહોંચ્યાં હતાં જ્યાં એરપોર્ટ પર રાજસ્થાની અંદાજમાં બાંગ્લાદેશનાં પીએમનું સ્વાગત લોક નૃત્ય સાથે થયું હતું. આ દરમિયાન શેખ હસીનાએ પણ રાજસ્થાની અંદાજમાં ડાન્સ કર્યો અને કલાકારો સાથે ફોટો ક્લીક કરાવ્યો હતો.
આ દરમિયાન જયપુર એરપોર્ટ ઉપર બાંગ્લાદેશના પીએમની સાથે તેમનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું. રાજસ્થાનના શિક્ષણ મંત્રી બી. ડી. કલ્લા અને સિનિયર અધિકારીઓએ પીએમ શેખ હસીનાની આગતા-સ્વાગતા કરી હતી.
ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ જશે શેખ હસીના
જયપુર પહોંચીને બાંગ્લાદેશ પીએમ શેખ હસીના 80 સભ્યોના ગ્રુપ સાથે અજમેરમાં ગરીબ નવાજ ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં પણ જશે. પીએમ શેખ હસીના અહીં ખ્વાજાની મજાર પર મખમલી ચાદર અને ગુલાબના ફુલ ચઢાવશે. અજમેરમાં પીએમ હસીનાની મુલાકાતને લઈ જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ છે અને દરગાહ વિસ્તાર સહિતના સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે દરગાહના બધા દરવાજા ઉપર પોલીસ અને હાડીરાની બટાલિયનના જવાન તૈનાત કરાયા છે અને ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.
બંગબંધુ શેખ મુજીબુર્રહમાન પર બની રહી છે બાયોપિક ફિલ્મ
ભારત - બાંગ્લાદેશના સંબંધોને લઈ પીએમ શેખ હસીનાએ કહ્યું કે, ભારત - બાંગ્લાદેશ વચ્ચે આંકડાકીય ભાગીદારી છેલ્લા દાયકામાં વધુ આગળ વધી છે. 50 વર્ષના મજબૂત સંબંધોમાં બંને દેશોએ ઘણા ક્ષેત્રોમાં પોતાની ભાગીદારીને આગળ વધારી છે. અમે સમુદ્ર અને બોર્ડરથી સંબંધિત વિવાદોને ઉકેલવાની ચર્ચાને પણ આગળ વધારી છે. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે બંગબંધુ શેખ મુજીબુર્રહમાન ઉપર બાયોપિક ફિલ્મ બનાવી રહ્યાં છે. જેના પર કામ ચાલી રહ્યું છે.