નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે દાઢી-વાળ ના કાપી આપવાના કારણે એક હજામની હત્યા કરાઇ હોવાની ઘટના બિહારમાંથી સામે આવી છે. બિહારમાં બાંકા જિલ્લામાં મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે આ મામલે 8 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


ઘટના બિહારના બાંકા જિલ્લામાં આવેલા અમરપુર વિસ્તારમાં મેનમા ગામની છે, આ હત્યાકાંડને લઇને મૃતકની પત્નીએ ગામના જ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ રિપોર્ટ પ્રમાણે, મેનમા નવટોલિયા રહેવાસી દિનેશ ઠાકુરની લાશ આજે સવારે ગામની નજીક ગામના છેવાડાથી મળી આવી, મૃતક દિનેશ ઠાકુરની પત્ની મૂસો દેવીએ પોલીસે આપેલા નિવેદન પ્રમાણે, કાલ સાંજે કેટલાક લોકો તેના પતિને ઘરેથી બોલાવીને લઇ ગયા હતા. બાદમાં રાત્રે ઘરે પરત ના ફર્યા અને સવારે લાશ મળી આવી હતી.



મૃતકની પત્નીનો આરોપ છે કે, થોડાક દિવસો પહેલા આરોપીઓએ મૃતકને વાળ દાઢી કરી આપવાનુ કહ્યુ હતું, પણ લૉકડાઉનના કારણે તેમને વાળ-દાઢી કરી આપવાની ના પાડી દીધી હતી. જેના કારણે આરોપીઓએ મૃતકને જીવથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

મૃતકની પત્ની મુસો દેવીએ કહ્યું કે આ ઘટના બાદ તેમના પતિની લાશ સીધી મેનમાના નવટોલિયા પોખરના કિનારેથી મળી આવી હતી. પોલીસે આ મામલે આઠ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, અને કેટલાક આરોપીઓની ધરપકડ કરી હોવાનુ પણ કહ્યું છે.