Jamia BBC Documentary Screening Row: જેએનયુ બાદ હવે જામિયા યુનિવર્સિટીમાં પણ પીએમ મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હંગામો થયો છે. જામિયા યુનિવર્સિટીમાં બીબીસી ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ બદલ 4 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આજે બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનીંગને લઈને જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર કથિત રીતે હંગામો મચાવવા બદલ ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે.


જામિયા યુનિવર્સિટીના ચીફ પ્રોક્ટરના કહેવા પર બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પહેલા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જામિયાની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે. યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને વિદ્યાર્થીઓને બીબીસી ડોક્યુમેન્ટરી સ્ક્રીનીંગ કરવાથી દૂર રહેવા કહ્યું હતું.


"માહોલ ખરાબ કરવાનો પ્રયાસ"


યુનિવર્સિટી પ્રશાસને એક નોટિસમાં જણાવ્યું છે કે, કેમ્પસમાં વિદ્યાર્થીઓની કોઈ મીટિંગ કે કોઈ પણ ફિલ્મના સ્ક્રીનિંગની પરવાનગી વિના મંજૂરી આપવામાં આવશે નહીં. નિહિત હિત ધરાવતા લોકો/સંસ્થાઓને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણને બગાડતા અટકાવવા યુનિવર્સિટી તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. આમ કરવા બદલ આયોજકો સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તે પણ નોટિશમાં જણાવવામાં આવ્યું છે. 


જેએનયુમાં પણ થયો હતો હંગામો 


અગાઉ ગઈકાલે સાંજે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં બીબીસી ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને હોબાળો થયો હતો. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ મંગળવારે રાત્રે 9 વાગે આ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગની જાહેરાત કરી હતી. જો કે, સ્ક્રીનીંગ પહેલા વિદ્યાર્થી સંઘની ઓફિસની લાઈટો ગુલ થઈ ગઈ હતી.


વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે, પ્રશાસને વીજળી અને ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. બાદમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને દાવો કર્યો કે જ્યારે તેઓ તેમના મોબાઈલ ફોન પર ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાકે આક્ષેપ કર્યો હતો કે, હુમલાખોરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સભ્યો હતા. જોકે, એબીવીપીએ આ આરોપોને નકારી કાઢ્યા હતાં. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો તેમ પણ જણાવવામાં આવ્યું હતું.


બીબીસી ડોક્યુમેન્ટરી પર વિવાદ


બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને લઈને વિવાદ છે. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી (PM મોદી) રાજ્યના મુખ્યમંત્રી હતા. આ ડોક્યુમેન્ટરી ભારતમાં બતાવવામાં નથી આવી રહી. જો કે તેના વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા છે. સરકારે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબને ડોક્યુમેન્ટરીની લિંક્સ બ્લોક કરવા માટે નિર્દેશ આપ્યો છે. ભારત સરકાર દ્વારા આ શ્રેણીની નિંદા કરવામાં આવી છે.